News of Friday, 6th February 2026
ગોવિંદાની આર્થિક તંગી અને ‘ભાગમ ભાગ ૨' માંથી બહાર થવાની અફવાઓનું સત્ય શું ?

મુંબઈઃ બોલિવૂડના 'હીરો નંબર ૧' ગોવિદા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો કરતા પોતાની અંગત જિંદગી અને આર્થિક સ્થિતિને લઈ વધુ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે ગોવિંદા દેવાળિયા થઈ ગયા છે, તેમણે પોતાનું ઘર ગીરો રાખ્યું છે અને આજીવિકા માટે શાળાઓમાં ડાન્સ કરી રહ્યા છે. આ ચર્ચાઓ ત્યારે વધુ તેજ બની જ્યારે તેમને એરપોર્ટ પર ખાનગી લક્ઝરી કારને બદલે ટેક્સીમાં જતા જોવામાં આવ્યા.
જોકે, ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ આ તમામ વાતોને પાયાવિહોણી ગણાવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે એરપોર્ટ પર ટેક્સી લેવાનું કારણ માત્ર સુરક્ષા પ્રોટોકોલ અને ખાનગી વાહનો માટેના પ્રતિબંધો હતા, આર્થિક તંગી નહીં. શાળાઓમાં પરફોર્મ કરવા અંગે તેમણે જણાવ્યું કે, તે તેમનો વ્યવસાય છે અને તે ફેમિલી ઈવેન્ટ્સમાં જવાનું પસંદ કરે છે.
બીજી તરફ, વર્ષ ૨૦૦૬ની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘ભાગમ ભાગ' ની સિક્વલને લઈને પણ મોટા સમાચાર છે. અહેવાલો અનુસાર, 'ભાગમ ભાગ ૨' માંથી ગોવિંદાનું પત્તું કપાઈ ગયું છે અને તેમના સ્થાને વર્સેટાઈલ એક્ટર મનોજ બાજપેયીને કાસ્ટ કરવામાં આવ્યા છે. અક્ષય કુમાર અને પરેશ રાવલ સિક્વલમાં યથાવત રહેશે, પરંતુ ગોવિદાની ગેરહાજરીથી તેમના ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મીનાક્ષી ચૌધરી ફીમેલ લીડમાં હશે. ગોવિંદાના મેનેજરે કહ્યું કે અભિનેતા ટૂંક સમયમાં જ એક મોટા પ્રોજેક્ટની જાહેરાત કરશે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
