<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ભૂમિ પેડણેકરની ‘દલદલ’ એ OTT પર મચાવી ધૂમ: વિશ્વભરમાં નંબર-1 બની આ ક્રાઈમ-થ્રિલર

7 એપિસોડમાં મુંબઈના સીરીયલ કિલરનો ખૌફ; યુએસ-યુકે સહિત અનેક દેશોમાં ટ્રેન્ડ થઈ રહી છે ભૂમિની ડેબ્યૂ સિરીઝ

નવી દિલ્હી, તા. 6: બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે મોટા પડદા બાદ હવે ડિજિટલ દુનિયામાં પણ પોતાનો સિક્કો જમાવી દીધો છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી તેની પહેલી વેબ સિરીઝ ‘દલદલ’ એ રિલીઝ થતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. આ 7 એપિસોડની મનોવૈજ્ઞાનિક ક્રાઈમ થ્રિલર સિરીઝ માત્ર ભારતમાં જ નહીં, પણ યુએસ, યુકે અને યુએઈ સહિતના દેશોમાં ગ્લોબલ ચાર્ટમાં ટોચ પર પહોંચી ગઈ છે.
શું છે ‘દલદલ’ની રહસ્યમય વાર્તા?
સિરીઝની વાર્તા મુંબઈના ભેજવાળા અને ગંદા વાતાવરણની વચ્ચે આકાર લે છે, જ્યાં એક ક્રૂર સીરીયલ કિલર પુરુષોની વિચિત્ર રીતે હત્યા કરી રહ્યો છે. ભૂમિ પેડણેકર અહીં મુંબઈની નવી નિયુક્ત ડીસીપી રીટા ફરેરાના રોલમાં છે. રીટા માત્ર આ ખૂનીને જ નથી શોધી રહી, પણ તે પોતાના ભૂતકાળના પસ્તાવા અને મીડિયા ટ્રાયલનો પણ સામનો કરી રહી છે. જેમ જેમ તપાસ આગળ વધે છે, તેમ તેમ વાર્તા એવા આઘાતજનક વળાંકો લે છે કે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે.
કન્ટેન્ટ ક્વીન સાબિત થઈ ભૂમિ
ભૂમિ પેડણેકર હંમેશા ગ્લેમર કરતા વિષયવસ્તુ (Content) ને વધુ મહત્વ આપે છે. 'દમ લગા કે હઈશા' થી લઈને 'ભક્ષક' સુધીની તેની સફર સાક્ષી છે કે તે પડકારજનક રોલ પસંદ કરવામાં માહેર છે. 'દલદલ' માં તેના અભિનયની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. અમૃત રાજ ગુપ્તાના નિર્દેશનમાં બનેલી આ સિરીઝમાં રીટા ફરેરાના પાત્રમાં ભૂમિએ પ્રાણ ફૂંકી દીધા છે.
નવા કલાકારોનો પણ દબદબો
આ સિરીઝમાં માત્ર ભૂમિ જ નહીં, પણ સમરા તિજોરીએ પણ પોતાના અભિનયથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સમરા જાણીતા અભિનેતા દીપક તિજોરીની પુત્રી છે અને 'દલદલ' માં તેનો રોલ ઘણો પાવરફુલ છે. સિરીઝનો દરેક એપિસોડ સસ્પેન્સથી ભરેલો છે, જે તમને અંત સુધી પકડી રાખશે. જો તમે વીકેન્ડમાં કંઈક જોરદાર જોવા માંગતા હોવ, તો 'દલદલ' હાલમાં પ્રાઇમ વિડિયો પર બેસ્ટ ઓપ્શન છે.

(5:06 PM IST)