<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

બોલિવૂડમાં ‘સંઘ’નો રંગ: શિલ્પા શેટ્ટી બની મોહન ભાગવતની ફેન : સેલેબ્સનો લાગ્યો જમાવડો!

RSSની 100મી વર્ષગાંઠ પર મુંબઈમાં સિતારાઓની શતાબ્દી ઉજવણી: મોહન ભાગવતની પ્રેરક વાતો સાંભળી શિલ્પા શેટ્ટી થઈ અભિભૂત : અદનાન સામી, અક્ષય કુમાર અને વિકી કૌશલ સહિતના દિગ્ગજોએ ‘રાષ્ટ્ર સેવા’ના મંચ પર હાજરી આપી મચાવી ધૂમ

મુંબઈ:  મુંબઈનું નહેરુ સેન્ટર ઓડિટોરિયમ રવિવારે એક અનોખા સંગમનું સાક્ષી બન્યું, જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની 100મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં બોલિવૂડના દિગ્ગજ સિતારાઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી વધુ ધ્યાન અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ખેંચ્યું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતને સાંભળ્યા બાદ શિલ્પાએ ખુલ્લેઆમ પ્રશંસા કરતા કહ્યું કે, "હું મોહન ભાગવતજીની ખૂબ મોટી ચાહક છું." શિલ્પાએ વધુમાં ઉમેર્યું કે ભાગવતજીની રાષ્ટ્ર સેવા પ્રત્યેની વિચારધારા અને જે રીતે તેઓ સમાજને એકજૂથ કરી રહ્યા છે, તેનાથી તેને ઘણું નવું શીખવા મળ્યું છે અને તે પણ રાષ્ટ્રની સેવામાં યોગદાન આપવા માંગે છે.
આ કાર્યક્રમ માત્ર આધ્યાત્મિક કે સામાજિક જ નહીં પણ અત્યંત ગ્લેમરસ પણ રહ્યો હતો. ગાયક અદનાન સામીએ સોશિયલ મીડિયા પર મોહન ભાગવત અને શિલ્પા શેટ્ટી સાથેના ફોટા શેર કરી ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ ઉપરાંત, બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર, વિકી કૌશલ અને રવિના ટંડન જેવી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. નવાઈની વાત તો એ હતી કે ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અભિનેત્રી અનન્યા પાંડે પણ તેમના સ્ટાઇલિશ લુક સાથે આ વિચારમંથન શ્રેણીમાં ભાગ લેતા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે સંઘના વિચારો હવે ગ્લેમર જગતમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ શતાબ્દી ઉજવણીનો પ્રથમ દિવસ પણ સિતારાઓથી ઝળહળી ઉઠ્યો હતો. શનિવારે સલમાન ખાન, રણબીર કપૂર અને સુભાષ ઘાઈ જેવા દિગ્ગજોએ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનની 100 વર્ષની સફર અને ભવિષ્યના ભારતના નિર્માણ અંગેના દ્રષ્ટિકોણને લોકો સમક્ષ મૂકવાનો હતો. મુંબઈના નહેરુ સેન્ટરમાં યોજાયેલા આ બે દિવસીય કાર્યક્રમે સાબિત કરી દીધું છે કે સંઘની ‘રાષ્ટ્ર સેવા’ની વિચારધારા પ્રત્યે હવે બોલિવૂડની લોકપ્રિય હસ્તીઓ પણ પોતાનો રસ અને સમર્થન ખુલ્લેઆમ જાહેર કરી રહી છે.

(11:01 PM IST)