News of Monday, 9th February 2026
સિનેમાનો યુગ પરતઃ ૩ મહિનામાં ૪ કરોડ દર્શકોએ થીયેટરમાં ફિલ્મ જોઇ
PVRની કમાણીમાં વિક્રમી ઉછાળોઃ સરેરાશ ટીકીટ રૂ.૩૦૦

મુંબઇઃ ભારતીય સિનેમા ઈન્ડસ્ટ્રી માટે કેલેન્ડર વર્ષ ૨૦૨૫ બ્લોકબસ્ટર વર્ષ સાબિત થયું છે. ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રેકોર્ડ ૧૩,૩૯૫ કરોડ રૂપિયા રહ્યું. આ મહામારી પહેલાના ત્રણ વર્ષની સરેરાશ કરતાં ૩૨%વધુ છે, જે સિનેમાઘરોમાં દર્શકોની મજબૂત વાપસી દર્શાવે છે. ત્રીજા ક્વાર્ટરમાં દર્શકોની સંખ્યા ૪.૦૫ કરોડ રહી, જે ગયા વર્ષના આ જ ક્વાર્ટરના ૩.૭૩ કરોડ કરતાં ૮.૬% વધુ છે. ગયા ક્વાર્ટરમાં ટિકિટોની સરેરાશ કિંમત ૪% વધીને ૨૯૩ રૂપિયા થઈ ગઈ, જે વાર્ષિક ધોરણે ૪% વધુ છે. સાથે જ, ખાણી-પીણી પર વ્યક્તિ દીઠ સરેરાશ ખર્ચ પણ ૪.૨% વધીને ૧૪૬ થઈ ગયો. આના કારણે દેશની સૌથી મોટી મલ્ટિપ્લેક્સ ચેઇન PVR INOX એ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ૯૫.૭ કરોડ રૂપિયાનો નફો કમાવ્યો, જે વાર્ષિક ધોરણે ૧૬૬.૫% વધુ છે.
કંપનીની આવક પણ ૯% વધીને ૧,૯૧૯.૬ કરોડ રૂપિયા થઈ ગઈ. આમાં ૧૦૦-૨૦૦ કરોડ રૂપિયા કમાણી કરનારી ફિલ્મોનું યોગદાન ૨૭% રહ્યું. રસપ્રદ વાત એ છે કે ૨૦૨૫માં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી ૩૭ ફિલ્મો રહી, જે એક રેકોર્ડ છે. PVR આઇનોક્સના એમડી અજય બિજલીએ કહ્યું, ‘મજબૂત કન્ટેન્ટ પાઇપલાઇન અને વિસ્તરણની નવી રણનીતિ સાથે કંપની ટકાઉ વિકાસના આગળના તબક્કામાં પ્રવેશી રહી છે.'
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
