<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

વિજય-રશ્મિકાના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ: ફેબ્રુઆરીમાં લેશે સાત ફેરા: હૈદરાબાદમાં યોજાશે 'રોયલ' રિસેપ્શન!

ગીતા ગોવિંદમ'ની જોડી રિયલ લાઈફમાં બનશે હમસફર: ૨૬ ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે સાઉથના સુપરસ્ટાર્સ : ૪ માર્ચના રોજ તાજ કૃષ્ણા હોટલમાં જામશે ફિલ્મી સિતારાઓનો મેળાવડો

હૈદરાબાદ:  સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી જેમના અફેરની ચર્ચાઓ વર્ષોથી ચાલતી હતી, તે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંડન્ના આખરે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયની ગુપ્ત ડેટિંગ અને વેકેશનના વાયરલ ફોટા બાદ હવે આ કપલના લગ્નની તારીખો સામે આવી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ આ સ્ટાર કપલ પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન ગ્રંથિથી જોડાશે. 'નેશનલ ક્રશ' રશ્મિકા અને 'અર્જુન રેડ્ડી' ફેમ વિજયને દુલ્હા-દુલ્હનના અવતારમાં જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લગ્ન બાદ આ જોડી ૪ માર્ચ, ૨૦૨૬ના રોજ હૈદરાબાદની આલીશાન હોટલ 'તાજ કૃષ્ણા' ખાતે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. આ રિસેપ્શનમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કલાકારો અને બોલિવૂડની હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. ઓક્ટોબર ૨૦૨૫માં તેમની સગાઈના સમાચાર પણ વહેતા થયા હતા, જોકે બંનેએ હંમેશા મૌન સેવ્યું હતું. પરંતુ હવે લગ્નના કાર્ડ અને કાર્યક્રમની વિગતો બહાર આવતા જ સોશિયલ મીડિયા પર 'વિજય-રશ્મિકા' ટ્રેન્ડ થઈ રહ્યું છે અને ચાહકો આ જોડીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.

વિજય અને રશ્મિકાની કેમેસ્ટ્રી 'ગીતા ગોવિંદમ' અને 'ડિયર કોમરેડ' જેવી ફિલ્મોમાં પડદા પર સુપરહિટ સાબિત થઈ હતી, અને ત્યારથી જ તેમના પ્રેમ સંબંધોની અફવાઓ શરૂ થઈ હતી. ઘણી વખત એરપોર્ટ પર સાથે જોવા મળવાથી લઈને વિદેશ પ્રવાસના એકસરખા લોકેશનના ફોટાઓએ તેમના રિલેશનશિપ પર મહોર મારી દીધી હતી. હવે જ્યારે આ પ્રેમ કહાની લગ્નના મંડપ સુધી પહોંચી છે, ત્યારે તે વર્ષ ૨૦૨૬ના સૌથી મોટા અને ચર્ચિત લગ્ન બની રહેશે તેમાં કોઈ શંકા નથી.

(6:32 PM IST)