<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

અમિતાભ બચ્‍ચને‘કલકી ૨'નાં સેટ પરથી કમલ હસન સાથે BTS શેર કર્યા

હૈદ્રાબાદમાં ફિલ્‍મનું શૂટ શરુ થયું, અમિતાભ રવિવારે મુંબઈમાં પોતાનાં પ્રસંશકોને ન મળી શક્‍યા

હૈદ્રાબાદ,તા.૨૫: અમિતાભ બચ્‍ચનનો વર્ષોનો નિયમ છે, કે તેઓ દર રવિવારે પોતાના બંગલા જલસાની બહાર પોતાના પ્રસંશકોને મળે છે. પરંતુ આ રવિવારે તેમનો આ નિયમ તૂટ્‍યો હતો, કારણ કે અમિતાભ બચ્‍ચન પોતાના કામના કારણે વ્‍યસ્‍ત હતા. ત્‍યારે હવે તેમણે બીટીએસ ફોટો શેર કરીને સ્‍પષ્ટતા કરી દીધી છે કે તેમણે કલકી ૨૮૯૮ એડીની સિક્‍વલનું કામ શરૂ કરી દીધું છે.

૨૪ ફેબ્રુઆરના પોતાના બ્‍લોગમાં અમિતાભ બચ્‍ચને પોતાની ગેરહાજરી અંગે સ્‍પષ્ટતા કરી છે. તેમના ઘરની બહેર એકઠાં થયેલાં ફેન્‍સની તસવીર સાથે તેમણે લખ્‍યું, ‘‘એમને કહેલું કે આ રવિવારે હું તમને નહીં મળી શકું, કારણ કે હું હૈદ્રાબાદમાં શૂટ કરી રહ્યો હતો...છતાં આ લોકો આવ્‍યા..એ ખાતરી કરવા..આ ક્‍યુટ નાનું ડોગ પણ''

આ માનવ મહેરામણની તસવીરો સાથે અમિતાભ બચ્‍ચને પોતાના પ્રસંશકોની માફી પણ માગી અને એ પણ જાહેર કરી દીધું કે તેમણે સિક્‍વલનું કામ શરૂ કરી દીધું છે. તેમણે કલકીના સેટ પરથી બિહાઇન્‍ડ ધ સીન તસવીરો પણ શેર કરી હતી, જેમાં તેમણે અશ્વત્‍થામા અવતારમાં પોતાની કમલ હસન સાથે કેન્‍ડિડ તસવીર પણ શેર કરી હતી. ફરી એક વખત કમલ હસન સાથે કામ કરવાના આનંદ અંગે વાત કરતા અમિતાભ બચ્‍ચને લખ્‍યું, ‘‘પરંતુ પહેલાં માફી..બાકીનું પછી..અને મહાન કમલ હસનને ફરી મળ્‍યો...અમે વર્ષો પછી સાથે કામ કરીશું..છેલ્‍લે ગિરફતારમાં કર્યું હતું..કલકી ૨નું કામ શરૂ થઈ ગયું છે...પણ રવિવારનો પ્રેમ અને લાગણી હંમેશા મારા સંસ્‍મરણોમાં રહેશે...પરંતુ આશા છે કે આ રવિવાર બધા સાથે હશે..મારો પ્રેમ.''

નાગ અસ્‍વિને ડિરેક્‍ટ કરેલી સિક્‍વલનું શૂટિગ શરૂ થઈ ગયું છે. આ ફ્રેન્‍ચાઇઝીમાંથી દીપિકાને ફી અને શરતો મુદ્દે કાઢી નાખવાના મુદ્દે થયેલી ચર્ચાઓ પછી હવે આ ફિલ્‍મનું કામ શરૂ થઈ ગયું છે. જોકે, હજુ સુધી આ ફિલ્‍મમાં દીપિકાનું પાત્ર સુમતિ કોણ ભજવશે એ મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું નથી, પરંતુ આ રોલ માટે સાઇ પલ્‍લવી અને પ્રિયંકા ચોપરાના નામની ચર્ચા હતી, ત્‍યારે સાઇ પલ્‍લવી સાથે વાટાઘાટો આગળના તબક્કે પહોંચી હોવાની ચર્ચા છે.

(9:59 AM IST)