<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

'ધુરંધર' ની પ્રચંડ સફળતા બાદ રણવીરસિંહનું ધ્યાન ઝોમ્બી થ્રિલર ફિલ્મ 'પ્રલય' પર કેન્દ્રિત

અભિનેતાએ પોતાની આગામી મેગા બજેટ ફિલ્મ 'પ્રલય' ની તૈયારીઓ શરૂ કરીને ચાહકોમાં એક્સાઈટમેન્ટ વધારી

મુંબઈ :બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' ને લઈને ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે, આ ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેતાએ પોતાની આગામી મેગા બજેટ ફિલ્મ 'પ્રલય' ની તૈયારીઓ શરૂ કરીને ચાહકોમાં એક્સાઈટમેન્ટ વધારી દીધી છે. આ સાથે જ રણવીરે તેની કારકિર્દીને લઈને એક મોટો નિર્ણય લેતા 'ડોન 3' પ્રોજેક્ટ છોડી દીધો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

 

ગયા વર્ષે 'ધુરંધર' ની પ્રચંડ સફળતા બાદ ચર્ચાઓ હતી કે રણવીર સિંહ ફરહાન અખ્તરની 'ડોન 3' નું શૂટિંગ શરૂ કરશે. પરંતુ તાજેતરના અહેવાલો મુજબ, રણવીરે હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ઝોમ્બી થ્રિલર ફિલ્મ 'પ્રલય' પર કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મમાં તે માત્ર મુખ્ય ભૂમિકા જ નહીં ભજવે, પરંતુ ફિલ્મ નિર્માતા હંસલ મહેતા સાથે મળીને તેનું નિર્માણ પણ કરશે.

 

'પ્રલય' અંગે વાત કરતા હંસલ મહેતાએ જણાવ્યું હતું કે, 'આ એક એવી ફિલ્મ હશે જે ભારતીય સિનેમામાં અગાઉ ક્યારેય જોવા મળી નથી.' આ ફિલ્મ આશરે 300 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન હંસલ મહેતાના પુત્ર જય મહેતા કરશે. ફિલ્મમાં રણવીર સિંહની સાથે સાઉથની જાણીતી અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં શરૂ થવાની સંભાવના છે.

 

બીજી તરફ, રણવીરની ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' આવતા અઠવાડિયે, 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મના પ્રથમ ભાગે વિશ્વભરમાં 1300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. નિષ્ણાતોના મતે, આ સિક્વલ અગાઉના તમામ રેકોર્ડ તોડી શકે છે. આ ફિલ્મમાં રણવીર ઉપરાંત સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

 

(1:52 PM IST)