<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઓડિયન્‍સ હવે રાજ અને રાહુલને ભુલીને એંગ્રી યંગ મેનની પાછળ

ભારતના દર્શકો માટે હવે બદલો જ નવો રોમાંસ બની ગયો છે

નવી દિલ્‍હી તા.૩૧: વર્ષો સુધી હિન્‍દી સિનેમાએ આપણને સપનાઓ વેચ્‍યા છે. ૧૯૯૦ના દાયકામાં, તે સપનાં પ્રેમનાં હતાં. રાજ હાથ લંબાવે છે, સિમરન ટ્રેન પકડવા દોડે છે. ભવ્‍ય લાગણીઓ, થોડો બળવો અને પ્રતિકાર અને વિરોધ કલ્‍પના એવી હતી કે પ્રેમ દુનિયાને જીતી શકે છે.

પછી આવ્‍યા ૨૦૦૦ના વર્ષો, જ્‍યારે આકાંક્ષાઓનું સ્‍વરૂપ બદલાયું. મલ્‍ટિપ્‍લેક્‍સ સિનેમાએ આપણને કૂલનેસ, મિત્રતા, શહેરી યુવાનોનું દિલ તૂટવું, ડિઝાઇનર કપડાં સાથે પણ પીડામાં જીવતા યુવાનો અને પોલિશ્‍ડ મુશ્‍કેલીઓ આપી. હીરો હવે સિસ્‍ટમ સામે ગુસ્‍સે નહોતો. તે આ સીસ્‍ટમ સાથે કામ લેવા સક્ષમ છે, ફલર્ટ કરી જાણે છે, નાચી ગાઈને મજા કરે છે.

પણ આજે ભારતીય સિનેમામાં એવું પરિવર્તન આવ્‍યું છે, જેને નકારવું કે અવગણવું બંને મુશ્‍કેલ છે, ફિલ્‍મોનો મુખ્‍ય વિષય હવે પ્રેમ નથી, શક્‍તિ છે.

હવેના સમયની સૌથી મોટી અને સફળ ફિલ્‍મો નરમાઈ, સંવેદનશીલતા અથવા ભાવનાત્‍મક તરસ પર આધારિત નથી. તે ગુસ્‍સા પર આધારિત છે. એનિમલ, KGF,  પુષ્‍પા, ધુરંધર, ધુરંધર ધ રિવેન્‍જ કે પછી ઓ રોમિયો, આ બધાની ભવ્‍યતા, સ્‍ટાઇલ, સ્‍લો-મોશન એન્‍ટ્રી અને કાન ફાડી નાખે એવો બેકગ્રાઉન્‍ડ સ્‍કોરને દૂર કરો, તો તમને એક જ ચહેરો કેન્‍દ્રમાં દેખાશેઃ એંગ્રી યંગ મેન. જેનો દોર ફરી પાછો આવ્‍યો છે. તેમાં દર્શકોના મનમાં શું ચાલી રહ્યું છે તેનું પ્રતિબિબ.

અમિતાભ બચ્‍ચને ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં આ પાત્રને અમર બનાવ્‍યું હતું, જ્‍યારે સરકાર અને વહીવટ પર અવિશ્વાસ, આર્થિક નિરાશા અને સામાજિક અસંતોષે એવો હીરો બનાવ્‍યો હતો જે શિસ્‍ત રાખી શકતો નહોતો. તે અન્‍યાય સામે ગીત ગાતો નહોતો. તે તેને તોડી નાખતો હતો. આજનો બ્‍લોકબસ્‍ટર હીરો ગુસ્‍સે ભરેલો, ઘાયલ, અતિ-પુરુષત્‍વ ધરાવતો, નૈતિક રીતે ધૂંધળો અને કોઈ પણ સ્‍થિતિ સ્‍વીકારી લેવામાં રસ ન ધરાવે એવો છે.  કડવી હકીકત એ છે કે આ ફિલ્‍મો નથી, તે પહેલાંથી લોકોનાં મનમાં રહેલા ગુસ્‍સાને દિશા આપે છે. દેશભરમાં લાખો યુવાનો છે જેમના સપનાઓ અને હકીકત વચ્‍ચે અંતર વધી રહ્યું છે. તેમને સતત સપના જોવાનું, મહેનત કરવાનું, સરખામણી કરવાનું અને રાહ જોવાનું કહેવામાં આવ્‍યું છે. પણ પરિણામ વચન જેટલી ઝડપથી મળતું નથી. જ્‍યારે પ્રેમ મોંઘો લાગે, લોકો શક્‍તિ ખરીદે છે. ત્‍યારે તમે એવા માણસને પ્રોત્‍સાહન આપો છો જે સિસ્‍ટમને જ રક્‍ત રંજિત કરી દે છે.

જો એક પછી એક ફિલ્‍મો હિસક, ગુસ્‍સાભરેલી, સિસ્‍ટમ વિરોધી પુરૂષ ઊર્જા સાથે હિટ બની રહી છે, તો કદાચ સાચો પ્રશ્ન ‘‘ફિલ્‍મમેકર્સ આ ફિલ્‍મો કેમ બનાવી રહ્યા છે?'' એવો નથી. સાચો પ્રશ્ન છે, ‘‘એટલા બધા લોકો પોતાને આ પાત્રોમાં કેમ જુએ છે?'' અહીં ઘણા સમીક્ષકો ભૂલ કરે છે.

આ સમયનું સૌથી મહત્‍વનું પાસું એ છે કે એક તરફ ગુસ્‍સાવાળા પાત્રોની સામે પરંપરાગત સારો હીરો પોતાની અસર ગુમાવી રહ્યો છે. પરંતુ નરમ, પ્રેમાળ, સલામત હીરો હવે આ સમયના ભાવનાત્‍મક વાતાવરણ માટે નબળો લાગે છે. દર્શકો હવે માત્ર હીરો નથી શોધતા. તેઓ બદલો લેનાર શોધે છે. આ એક મોટું પરિવર્તન છે. આ દાયકામાં એંગ્રી યંગ મેનનો ઉદય માત્ર ફિલ્‍મ ટ્રેન્‍ડ નથી. તે એક એવા ભારતનું પ્રતિબિબ છે જે વધુ અધીરું, વધુ નિરાશ, વધુ વિસ્‍ફોટક અને વધુ ભાવનાત્‍મક રીતે ઘેરાયેલું છે, જે ઇન્‍ડસ્‍ટ્રી અપનાવવા માંગે છે અને તે ફિલ્‍મોમાં દેખાય છે

(10:01 AM IST)