<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

સોની સબના નવા શો 'હુઈ ગમ્મ યાદેં' સાથે નેશનલ ડૉક્ટર્સ ડેની ભવ્ય ઉજવણી : અભિનેતા ઈકબાલ ખાને તબીબોને સાચા નાયક ગણાવ્યા

યાદશક્તિ ગુમાવનાર તેજસ્વી ડૉક્ટર દેવ મહેતાના સંઘર્ષની કહાની રજૂ કરતા શો દ્વારા તબીબી વ્યવસાયના ભાવનાત્મક પાસાઓ અને ડૉક્ટરોના અંગત જીવનના પડકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો

મુંબઈ: માર્ચ, ૨૦૨૬ : નેશનલ ડૉક્ટર્સ ડેના અવસર પર મનોરંજન જગતના જાણીતા અભિનેતા ઈકબાલ ખાને દેશના તમામ તબીબો પ્રત્યે આદર વ્યક્ત કરતા તેમને હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જુ ગણાવ્યા છે. સોની સબ પર શરૂ થઈ રહેલા નવા શો 'હુઈ ગમ્મ યાદેં – એક ડૉક્ટર, બે જિંદગીઓ'માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા ઈકબાલ ખાને જણાવ્યું કે ડૉક્ટરો માત્ર સારવાર નથી કરતા, પરંતુ દર્દીઓની ભાવનાત્મક જવાબદારી પણ નિભાવે છે. આ વ્યવસાય પ્રત્યેનો તેમનો લગાવ અંગત છે, કારણ કે તેમની પોતાની બે બહેનો પણ ડૉક્ટર છે.

લોકપ્રિય ઇટાલિયન સિરીઝ 'ડીઓસી' પરથી એડેપ્ટ કરવામાં આવેલો આ શો ડૉ. દેવ મહેતાની અનોખી સંઘર્ષગાથા છે. દેવ મહેતા એક પ્રખર ડૉક્ટર છે, જે અણધાર્યા સંજોગોમાં પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. તેમ છતાં, તેઓ ફરી એ જ પ્રોફેશનમાં પગ મૂકે છે જે અત્યંત ચોકસાઈ અને સહાનુભૂતિની માંગ કરે છે. આ શો દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ડૉક્ટરો પોતાના અંગત જીવનના ભોગે બીજાના જીવ બચાવવા માટે સમર્પિત રહે છે.

આ પાત્રને ન્યાય આપવા ઈકબાલ ખાને અનેક તબીબો સાથે સંવાદ કર્યો હતો. તેમણે અનુભવ્યું કે ડૉક્ટરો દરરોજ હાર-જીતમાંથી પસાર થાય છે, છતાં નવી શક્તિ સાથે હાજર રહે છે. તબીબી જગતના આ અદ્રશ્ય સંઘર્ષોને વાચા આપતો આ શો આગામી ૬ એપ્રિલથી સોની સબ પર દર સોમવારથી શનિવાર રાત્રે ૮ વાગ્યે પ્રસારિત થશે.

(4:32 PM IST)