News of Friday, 5th June 2026
"જાહ્નવી કપૂર દરેક પાત્રને સેક્સ્યુઅલાઈઝ કરે છે": અભિનેત્રી ગાયત્રી છગન્ટીના નિવેદને બોલિવૂડમાં મચાવી ચકચાર
ટીચર હોય કે ગ્રામીણ યુવતી, કપૂરના પોશાક ડિઝાઈન કરવા પાછળનો હેતુ માત્ર ગ્લેમર જ હોય છે, ગાયત્રીના તીખા પ્રહારથી સોશિયલ મીડિયા પર બે જૂથો પડ્યા

મુંબઈ : બોલિવૂડમાં ગ્લેમર અને પાત્રના ચિત્રણ વચ્ચેની પાતળી રેખા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. તાજેતરમાં અભિનેત્રી ગાયત્રી છગન્ટીએ જાહ્નવી કપૂરની કામગીરી અને ફિલ્મોમાં તેના લૂક્સને લઈને જે ટિપ્પણી કરી છે, તેનાથી સોશિયલ મીડિયા પર ભારે ગરમાવો આવ્યો છે. ગાયત્રીએ જાહ્નવી પર આરોપ લગાવ્યો છે કે તે ફિલ્મના પાત્ર કે વાર્તાને ધ્યાનમાં લીધા વિના દરેક ભૂમિકાને જાતીય દ્રષ્ટિકોણ (Sexualize) થી રજૂ કરવાની કોઈ તક ચૂકતી નથી.
શું છે વિવાદનું મૂળ?
ગાયત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પેજ પર પોતાની વાત રાખતા જણાવ્યું હતું કે, "જો આપણે સાચું બોલીએ તો, કોઈ તેને તેના અભિનયના કૌશલ્ય માટે કામે નથી રાખતું. તેનું શરીર જ તેની સમગ્ર ઓળખ અને છબી બની ગયું છે." ગાયત્રીનું માનવું છે કે જ્યારે પાત્રની માંગ હોય ત્યારે ગ્લેમરસ દેખાવું સ્વાભાવિક છે, પરંતુ જાહ્નવી દરેક પાત્રમાં પછી તે પ્રિસ્કુલ શિક્ષિકાનું હોય કે ગ્રામીણ કેરળની યુવતીનું, તેને ખૂબ જ સેક્સી રીતે રજૂ કરવાનો આગ્રહ રાખે છે.
'ક્લીવેજ' અને પોશાકની પસંદગી પર સવાલો
ગાયત્રીએ વધુમાં ઉમેર્યું કે 'સની સંસ્કારી કી તુલસી કુમારી' જેવી ફિલ્મોમાં એક શિક્ષિકાના પાત્રમાં પણ જાહ્નવીના પોશાક એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા હતા કે તેમાં તેનું ક્લીવેજ દેખાય. તેણીએ ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે પાત્રની જરૂરિયાત સાધારણ કપડાંની હોય, ત્યારે પણ જાહ્નવી સગાઈ જેવા ગીતોમાં અત્યંત ખુલ્લા કપડાં પહેરીને દેખાય છે, જે ઘણીવાર વાર્તાના સંદર્ભ સાથે બિલકુલ સુસંગત હોતું નથી.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો
આ નિવેદન બાદ ઈન્ટરનેટ પર ચર્ચાઓનું પૂર આવ્યું છે. યુઝર્સ આ મુદ્દે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક વર્ગ ગાયત્રીના અવલોકનો સાથે સહમત છે અને માને છે કે મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં સ્ત્રીઓનું જે રીતે ચિત્રણ કરવામાં આવે છે તે બદલાવ માંગે છે. બીજી તરફ, કેટલાક લોકો જાહ્નવી કપૂરનો બચાવ કરી રહ્યા છે. અત્યાર સુધી જાહ્નવી કપૂરે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
