<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

‘ક્રિશ ૪' માટે ઋતિકે રૂ.૫૦૦ કરોડ માંગ્‍યા? પિતા રાકેશ રોશને અફવાઓ પર તોડ્‍યું મૌન

બજેટ વિવાદ અને આદિત્‍ય ચોપરા સાથેના અણબનાવના અહેવાલોને ફિલ્‍મમેકરે ગણાવ્‍યા સંપૂર્ણ બકવાસ

મુંબઈ, તા.૮: બોલિવૂડના સૌથી લોકપ્રિય સુપરહીરો ‘ક્રિશ ૪' ની વાપસીને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ફિલ્‍મની ભવ્‍યતા, વર્લ્‍ડ ક્‍લાસ એક્‍શન અને હાઈ-લેવલ VFX માટે અભિનેતા ઋતિક રોશને રૂ.૫૦૦ કરોડના તોતિંગ બજેટની માંગણી કરી છે, જેના કારણે પ્રોડ્‍યુસર આદિત્‍ય ચોપરા (YRF) સાથે તેનો મતભેદ થયો છે અને ફિલ્‍મ અટકી પડી છે. આ ગંભીર અફવાઓ પર હવે ફિલ્‍મના અસલી સર્જક અને ઋતિકના પિતા રાકેશ રોશને પોતાનું મૌન તોડ્‍યું છે અને આ તમામ દાવાઓને સદંતર પાયાવિહોણા ગણાવ્‍યા છે.

રાકેશ રોશને એક ઈન્‍ટરવ્‍યુમાં સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું હતું કે, બજેટ વિવાદના નામે મીડિયામાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તે માત્ર બકવાસ છે. તેમણે ખુલાસો કર્યો કે આદિ, ઋતિક અને તેમની વચ્‍ચે અદભુત ટીમવર્ક ચાલી રહ્યું છે અને કોઈ આંતરિક વિખવાદ નથી. જોકે, મોટા પ્રેક્ષકો માટે જ્‍યારે આવી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની મેગાપ્રબજેટ સુપરહીરો ફિલ્‍મ બનાવવાની હોય, ત્‍યારે તેની સ્‍ક્રિપ્‍ટ અને પ્રી-પ્રોડક્‍શનમાં સમય લાગે જ છે. તેમણે ઉમેર્યું કે ‘ક્રિશ' સિરીઝની અગાઉની ફિલ્‍મો વખતે પણ તેમણે ઉતાવળ કરવાને બદલે પૂરતો સમય લીધો જ હતો.

ફિલ્‍મના શૂટિંગમાં થઈ રહેલા વિલંબનું અસલી કારણ આપતા તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, ક્રિશ (ઋતિક) હાલમાં તેના અન્‍ય પ્રોજેક્‍ટ્‍સ અને શૂટિંગ શિડ્‍યુલમાં ખૂબ જ વ્‍યસ્‍ત છે. મેકર્સ અત્‍યારે માત્ર ઋતિકની તારીખો (ડેટ્‍સ) મળવાની રાહ જોઈ રહ્યા છે. રાકેશ રોશને ચાહકોને મોટી રાહત આપતા કન્‍ફર્મ કર્યું છે કે ફિલ્‍મ કયાંય બંધ થઈ નથી, બધું પ્‍લાનિંગ મુજબ જ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ આ મહાફિલ્‍મનું શૂટિંગ સત્તાવાર રીતે ફ્‌લોર પર જશે

(3:11 PM IST)