News of Thursday, 11th June 2026
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત: પનવેલ ફાર્મહાઉસના પાડોશીને સોશિયલ મીડિયા પરથી તમામ 'માનહાનિકારક' પોસ્ટ્સ ડિલીટ કરવા કોર્ટનો આદેશ
સોશિયલ મીડિયાનો એક્સેસ હોવાનો મતલબ એ નથી કે તમે સેલિબ્રિટીઝ સહિત કોઈને પણ બદનામ કરો: હાઈકોર્ટે પાડોશી કેતન કક્કડને ફટકાર લગાવતા પૂછ્યું, 'સરકારી અધિકારીઓને ફરિયાદ કરવાને બદલે વીડિયો કેમ અપલોડ કરો છો?'

મુંબઈ, તા.૧૧: બોલિવૂડના 'દબંગ' અભિનેતા સલમાન ખાન અને તેમના પનવેલ ફાર્મહાઉસના પાડોશી કેતન કક્કડ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો કાનૂની વિવાદ હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચ્યો છે. બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે આ મામલે કડક વલણ અપનાવતા સલમાન ખાનના પાડોશીને અભિનેતા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર મૂકેલી તમામ વિવાદિત અને માનહાનિકારક પોસ્ટ્સ તેમજ વીડિયો ડિલીટ કરવા (હટાવી લેવા) અંગે ગંભીરતાથી વિચારવા જણાવ્યું છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની આઝાદી કોઈને પણ અન્ય વ્યક્તિની બદનક્ષી કરવાનો હક આપતી નથી, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે કોઈ મોટી સેલિબ્રિટી.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ શર્મિલા દેશમુખની સિંગલ બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન પાડોશીની ઝાટકણી કાઢી હતી. ન્યાયાધીશે સવાલ ઉઠાવ્યો હતો કે જો કોઈ વ્યક્તિને કોઈ બાબતની સામે વાંધો કે ફરિયાદ હોય, તો તેણે સંબંધિત સરકારી અધિકારીઓ પાસે જઈને કાનૂની માધ્યમથી તેનું નિરાકરણ લાવવું જોઈએ, તેને બદલે સોશિયલ મીડિયા પર આવી નકારાત્મક સામગ્રી અને વીડિયો અપલોડ કરવાનો શું અર્થ છે? અદાલતના આ કડક વલણથી સલમાન ખાનને કાનૂની મોરચે મોટી સફળતા મળી છે.
પર્યાવરણના નિયમોના ઉલ્લંઘન અને કોમી ઉશ્કેરણીના આક્ષેપો
આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે મહારાષ્ટ્રના નવી મુંબઈ ટાઉનશીપમાં પનવેલ ખાતે સલમાન ખાનનું એક આલીશાન ફાર્મહાઉસ આવેલું છે. આ ફાર્મહાઉસની બિલકુલ બાજુમાં આવેલી જમીનના માલિક કેતન કક્કડે સલમાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કક્કડનો દાવો હતો કે સલમાને પોતાના ફાર્મહાઉસના બાંધકામ દરમિયાન પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને પાડોશી તરીકે તેમની મિલકતમાં પ્રવેશવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે. કક્કડે એમ પણ કહ્યું કે તેમણે આ મુદ્દે સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
પાડોશીના આ કૃત્ય સામે સલમાન ખાને કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. સલમાન ખાનના વકીલોએ દલીલ કરી હતી કે કેતન કક્કડ દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા વીડિયો માત્ર બદનક્ષીભર્યા જ નહોતા, પરંતુ તે અભિનેતા વિરુદ્ધ સામાજિક અને સાંપ્રદાયિક રીતે ઉશ્કેરણીજનક પણ હતા, જેનાથી તેમની છબીને મોટું નુકસાન પહોંચ્યું છે.
સિવિલ કોર્ટના નકાર બાદ સલમાને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
શરૂઆતમાં સલમાન ખાને સિવિલ કોર્ટમાં અરજી કરીને કક્કડને આ વીડિયો તાત્કાલિક હટાવવાનો આદેશ આપવા વિનંતી કરી હતી, પરંતુ સિવિલ કોર્ટે તે સમયે આવો કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આથી હાર ન માનતા સુપરસ્ટારે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે હવે કેતન કક્કડને તમામ વિવાદાસ્પદ સામગ્રી ઈન્ટરનેટ પરથી કાઢી નાખવાનું સૂચન કર્યું છે અને આ હાઈપ્રોફાઈલ કેસની વધુ સુનાવણી આગામી ૬ જુલાઈના રોજ મુલતવી રાખી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
