<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ભારતીય બોક્સ ઓફિસ પર હોલિવુડનો ધડાકો: 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે'ની બોલબાલા, ૯ દિવસમાં ₹૩૫૦ કરોડની કમાણી તરફ ઝડપી આગેકૂચ!

ટોમ હોલેન્ડની માર્વેલ સુપરહીરો મુવીએ સન્ની દેઓલની 'બોર્ડર ૨'નો લાઈફટાઈમ રેકોર્ડ તોડ્યો; ઈંગ્લિશ અને હિન્દી ડબિંગ વર્ઝને સિનેમાઘરોમાં બોલાવી ધૂમ!

મુંબઈ : ભારતીય સિનેમાઘરોમાં હોલિવુડના સુપરહીરો સ્પાઈડર-મેનનો જાદુ દર્શકોના શિરચડીને બોલી રહ્યો છે. ટોમ હોલેન્ડ સ્ટારર નવી માર્વેલ બ્લોકબસ્ટર ફિલ્મ 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જુના રેકોર્ડ ધ્વસ્ત કરીને એક પછી એક નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. પ્રથમ સપ્તાહમાં જ રૂ. ૩૦૦ કરોડથી વધુનો આંકડો વટાવનાર આ ફિલ્મે બીજા અઠવાડિયામાં પ્રવેશતાં જ પોતાની કમાણીની રફતાર અકબંધ રાખી છે.

 

ટ્રેડ રિપોર્ટ અનુસાર, રિલીઝના ૯મા દિવસે આ માર્વેલ વન્ડરે દેશભરના આશરે ૧૩,૫૪૪ શોમાંથી રૂ. ૧૪.૫૦ કરોડનું આંકડાકીય કલેક્શન કર્યું છે. બીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં ૧.૮%નો સુધારો નોંધાયો હતો. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂ. ૩૪૯.૨૫ કરોડ અને ગ્રોસ કલેક્શન રૂ. ૪૧૭.૬૩ કરોડની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે, જેનાથી ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં રૂ. ૩૫૦ કરોડનો આંકડો વટાવી દેશે.

 

ભારતીય માર્કેટમાં 'સ્પાઈડર-મેન'ની સફળતામાં ઈંગ્લિશ અને હિન્દી વર્ઝનનો સૌથી મોટો ફાળો રહ્યો છે. અત્યાર સુધીમાં ઓરિજિનલ ઈંગ્લિશ વર્ઝને રૂ. ૧૯૧.૩૫ કરોડ અને હિન્દી ડબ વર્ઝને રૂ. ૧૨૪.૪૦ કરોડનો તોતિંગ વેપાર કર્યો છે. આ ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ જેવી દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ ફિલ્મે મજબૂત કમાણી નોંધાવી છે.

 

વિશેષ નોંધનીય બાબત એ છે કે, આ ફિલ્મે પોતાની રિલીઝના માત્ર ૯મા દિવસે જ સન્ની દેઓલની સુપરહિત મુવી 'બોર્ડર ૨'ના લાઈફટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન (રૂ. ૩૨૯.૪૩ કરોડ)ના રેકોર્ડને ભોંય ભેગો કરી દીધો છે. બોક્સ ઓફિસના પંડિતોના મતે હવે આ ફિલ્મ રણવીર સિંહની સુપરહિત ફિલ્મ 'ધુરંધર'ના કલેક્શનના રેકોર્ડને પણ ટૂંક સમયમાં પાછળ છોડી દેશે.

 

(8:12 PM IST)