<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

બોલિવૂડમાં ચર્ચા: ફેમિલી કોર્ટ પહોંચી સુનિતા આહુજાએ ગોવિંદા વિરુદ્ધની છૂટાછેડાની અરજી પરત ખેંચી!

પુત્ર યશવર્ધન સાથે બાંદ્રા ફેમિલી કોર્ટ બહાર જોવા મળ્યા સુનિતા; વિવાદ બાદ કેસ પાછો ખેંચતા ગોવિંદાના મેનેજરે રાહત વ્યક્ત કરી

મુંબઈ, તા.19: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા જાહેર વિવાદ અને અફવાઓ વચ્ચે બુધવારે એક નવો વળાંક આવ્યો છે. સુનિતા આહુજા બુધવારે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટની બહાર પોતાના પુત્ર યશવર્ધન આહુજા સાથે જોવા મળ્યા હતા. પાપારાઝીએ જ્યારે કોર્ટ આવવાનું કારણ પૂછ્યું ત્યારે સુનિતાએ કટાક્ષમાં "હું બર્થડે ઉજવવા આવી હતી" તેવો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમનો પુત્ર યશ કેમેરા સામે ગુસ્સામાં માતાને પ્રોટેક્ટ કરીને કાર સુધી લઈ જતો જોવા મળ્યો હતો. 

જોકે, શરૂઆતમાં છૂટાછેડાની અટકળો તેજ થઈ હતી પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે સુનિતા આહુજાએ ગોવિંદા વિરુદ્ધ દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. ગોવિંદાના મેનેજર શશી સિંાએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "સુનિતાજીએ કેસ પાછો ખેંચી લીધો છે અને હવે કોઈ અલગ થવાની વાત નથી. તે સમયે તેમને જે યોગ્ય લાગ્યું તે કર્યું હતું, પરંતુ હવે કેસ પરત લેવો એ ખુશીના સમાચાર છે." તેમણે ખેદ પણ વ્યક્ત કર્યો હતો કે ઘરની બાબત બિનજરૂરી રીતે જાહેર થઈ ગઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, સુનિતા આહુજાએ ડિસેમ્બર ૨૦૨૪માં બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. તાજેતરમાં જ ગોવિંદા પોતાની આગામી ફિલ્મની સહ-અભિનેત્રી કોમલ રાણી સ્વર્ણકર સાથે એરપોર્ટ પર દેખાતા સુનિતાએ તીખો હુમલો કર્યો હતો અને ગોવિંદાના વર્તન સામે સવાલો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં ગોવિંદાએ પણ એક વિડીયો જાહેર કરીને જાહેર મંચ પરથી ભાષાની મર્યાદા જાળવવાની અપીલ કરી હતી. તમામ આક્ષેપ-પ્રતિઆક્ષેપો બાદ આખરે સુનિતાએ કેસ પરત ખેંચી લેતા દંપતી વચ્ચેનો આ વિવાદ શાંત પડવાની આશા સેવાઈ રહી છે.

(4:58 PM IST)