<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

​તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ યુકેમાં ૨૪ જુલાઈએ થશે રિલીઝ: દર્શકો નિહાળી શકશે ફિલ્મનું ઓરિજિનલ 'અનકટ' વર્ઝન

​ભારતમાં સેન્સર બોર્ડના ૧૨ સુધારા અને 'એ' સર્ટિફિકેટ સાથે રિલીઝ થનારી આ ફિલ્મ વિદેશમાં કોઈ પણ પ્રકારના કાપ વગર સિનેમાઘરોમાં ધૂમ મચાવશે, એડવાન્સ બુકિંગમાં હજારો ટિકિટોનું ધૂમ વેચાણ.

​ચિન્નાઈ: તમિલ સિનેમાના સુપરસ્ટાર અને હાલના તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની અત્યંત પ્રતિક્ષિત ફિલ્મ 'જન નાયકન' આખરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. સાત મહિનાના લાંબા વિલંબ અને સેન્સર બોર્ડના વિવાદો બાદ, આ ફિલ્મ ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે. ખાસ કરીને યુકે (યુનાઈટેડ કિંગડમ) ના દર્શકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે ત્યાં આ ફિલ્મ કોઈ પણ પ્રકારના કાપ વગર એટલે કે 'અનકટ' વર્ઝનમાં રિલીઝ કરવામાં આવશે.

​ફિલ્મના યુકેના વિતરક 'અહિંસા એન્ટરટેઈનમેન્ટ' દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે 'જન નાયકન'ને યુકેમાં ૧૫+ રેટિંગ આપવામાં આવ્યું છે અને તે દર્શકોને મૂળ સ્વરૂપે જોવા મળશે. વિતરકે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, "માનનીય મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની આ ફિલ્મ જેવી રીતે બનાવવામાં આવી હતી, તે જ રીતે દર્શકો જોઈ શકશે. તમામ એક્શન અને થલાપથીનો ક્રેઝ એક છેલ્લી વાર માણવા મળશે."

​ભારતમાં આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ૧૨ જેટલા સુધારા અને કાપ સાથે 'એ' (A) સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય ધ્વજ પડતા દ્રશ્યો, રાજકીય પક્ષોના સંદર્ભો અને કેટલીક આપત્તિજનક શબ્દાવલીઓ દૂર કરવામાં આવી હતી. જોકે, યુકેમાં આ તમામ દ્રશ્યો યથાવત રહેશે. વિજયના ચાહકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ યુકેમાં થોડા જ કલાકોમાં હજારો ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે.

​રાજકારણમાં સંપૂર્ણપણે સક્રિય થયા પહેલા અભિનેતાની આ છેલ્લી ફિલ્મ હોવાથી, ચાહકો તેને તેમના પ્રિય કલાકારને આપવામાં આવતી એક ભવ્ય વિદાય તરીકે જોઈ રહ્યા છે. એચ. વિનોદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માટે સિનેમાઘરોમાં ભારે ભીડ અને ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દર્શકો આ ફિલ્મને માત્ર એક ફિલ્મ તરીકે નહીં, પરંતુ વિજયના લાંબા સિનેમેટિક સફરના અંતિમ પડાવ તરીકે જોઈ રહ્યા છે.

​

(12:50 PM IST)