<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

૮૪ વર્ષની વયે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કર્યો દિલસ્પર્શી ખુલાસો: સંગીત ન શીખી શકવાનો જીવનભર રહેશે ઊંડો અફસોસ!

‘કૌન બનેગા કરોડપતિ’ના સ્ટેજ પર બિગ બીએ વ્યક્ત કરી અધૂરી ખ્વાહિશ; કહ્યું, "ઘરમાં વાદ્યયંત્રો લાવીને મૂક્યા છે પણ ઉંમરના આ પડાવે પણ સંગીત શીખી શક્યો નહીં."

મુંબઈ : બોલીવુડના શહેનશાહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દાયકાઓથી પોતાની દમદાર અદાકારી, ભવ્ય વ્યક્તિત્વ અને ભારેખમ અવાજથી કરોડો દર્શકોના દિલો પર રાજ કરી રહ્યા છે. સિનેમા જગતમાં અપાર સફળતા, માન-સન્માન અને તમામ સિદ્ધિઓ હાંસલ કરવા છતાં ૮૪ વર્ષની વયે બિગ બીના જીવનમાં એક એવી ઈચ્છા રહી ગઈ છે, જે આજે પણ અધૂરી છે. લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ના આગામી એપિસોડ દરમિયાન તેમણે સંગીત પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરીને આ ચોંકાવનારો વસવસો જાહેર કર્યો હતો.

 

શો દરમિયાન સ્પર્ધક કૃતજ્ઞા નૈયર સાથે 'ધીસ ઓર ધેટ' (This or That) ગેમ રમતી વખતે જ્યારે બિગ બીને પૂછવામાં આવ્યું કે તેઓ ભૂતકાળનો કોઈ દિવસ ફરી જીવવા માંગશે કે એવો દિવસ જે ક્યારેય જીવ્યા નથી? ત્યારે અમિતાભ બચ્ચને અત્યંત ભાવુક થઈને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, તેમના જીવનમાં એટલી બધી ઘટનાઓ બની છે કે ભૂતકાળનો કોઈ એક દિવસ પસંદ કરવો મુશ્કેલ છે, પરંતુ જે દિવસ તેઓ ક્યારેય જીવી શક્યા નથી તે સંગીત શીખવાનો દિવસ છે. મોટા ગાયકો અને સંગીતકારોને સાંભળીને તેઓ હંમેશા અચરજ પામે છે કે લોકો આટલું અદ્ભુત કેવી રીતે ગાઈ અને વગાડી શકે છે.

 

પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, સંગીત શીખવાની ઘેલી ઈચ્છાને કારણે તેમણે પોતાના ઘરમાં સંગીત શીખવા માટેના તમામ વાદ્યયંત્રો ખરીદીને રાખ્યા છે. તેઓ રમૂજ અને દર્દ સાથે બોલ્યા કે, "હું તે વાદ્યો પર રોજ ફૂલમાળા ચડાવું છું કે ક્યારેક એવો દિવસ આવશે જ્યારે હું તેને વગાડતાં શીખીશ. પણ હવે મારી ઉંમર ૮૪ વર્ષ થઈ ગઈ છે અને હું હજુ સુધી કશું જ શીખી શક્યો નથી, જેનું મને જીવનભર દુઃખ રહેશે." સદીના મહાનાયકનો આ દિલસ્પર્શી ખુલાસો સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

(7:19 PM IST)