News of Friday, 4th September 2026
બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’ની શાનદાર કમાણી યથાવત: માત્ર 2 કરોડના બજેટથી બનેલી ફિલ્મની 100 કરોડ તરફ આગેકૂચ
આ ફિલ્મે 28મા દિવસે 11 કરોડ રૂપિયાની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા: યશની ‘ટૉક્સિક’એ 9મા દિવસે 4.25 કરોડ રૂપિયાનો બિઝનેસ: હવે ‘મિર્ઝાપુર: ધ મૂવી’ની રિલીઝથી બંને ફિલ્મોની કમાણી પર અસર થવાની શક્યતા

મુંબઈ :બોક્સ ઓફિસ પર હાલ ‘હનુમાન અંશ’ અને યશની ફિલ્મ ‘ટૉક્સિક’ વચ્ચે કમાણીની ચર્ચા તેજ બની છે. ખાસ વાત એ છે કે માત્ર અંદાજે 1.8થી 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’એ પોતાની રિલીઝના 28મા દિવસે પણ શાનદાર કમાણી કરી છે. બીજી તરફ, ‘મિર્ઝાપુર : ધ મૂવી’ની થિયેટરમાં એન્ટ્રી બાદ ‘ટૉક્સિક’ માટે સ્પર્ધા વધુ કઠિન બનવાની શક્યતા છે.
સેકનિલ્કના આંકડા અનુસાર, ‘હનુમાન અંશ’એ 28મા દિવસે એટલે કે ગુરુવારે આશરે 11 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. આ દિવસે ફિલ્મના કુલ 7,055 શો યોજાયા હતા. એક દિવસ અગાઉ ફિલ્મે 7.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, એટલે ગુરુવારે તેની કમાણીમાં લગભગ 41.9 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે ફિલ્મનું ગ્રોસ કલેક્શન 85.97 કરોડ રૂપિયા અને નેટ કલેક્શન 72.88 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. શરૂઆતમાં ફિલ્મની કમાણી ખાસ મોટી નહોતી અને તે લાખોમાં આગળ વધી રહી હતી, પરંતુ બાદમાં દર્શકોના પ્રતિસાદથી તેના બિઝનેસમાં જોરદાર ઉછાળો આવ્યો.
આ વર્ષે સૌથી વધુ નફો કરનારી ફિલ્મ તરીકે અગાઉ ‘ધુરંધર’નું નામ આગળ હતું, પરંતુ હવે ‘હનુમાન અંશ’એ તેને પાછળ છોડી દીધી છે. ફિલ્મનું બજેટ માત્ર 1.8થી 2 કરોડ રૂપિયા હોવા છતાં તેનું કલેક્શન અનેક ગણું વધી ગયું છે. ફિલ્મને સૌથી મોટો ફાયદો વર્ડ ઑફ માઉથ થી મળ્યો. દર્શકોએ ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી, જેના કારણે અન્ય દર્શકો પણ થિયેટર તરફ આકર્ષાયા. હવે ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે તેવી શક્યતા છે.
છેલ્લા 7 દિવસની ‘હનુમાન અંશ’ની કમાણી
દિવસનેટ કમાણી22મો દિવસ₹6.25 કરોડ23મો દિવસ₹9.25 કરોડ24મો દિવસ₹12.75 કરોડ25મો દિવસ₹5.50 કરોડ26મો દિવસ₹8.50 કરોડ27મો દિવસ₹7.75 કરોડ28મો દિવસ₹11 કરોડ
બીજી તરફ, યશ સ્ટારર ‘ટૉક્સિક’એ રિલીઝના 9મા દિવસે આશરે 4.25 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. આ દિવસે ફિલ્મના કુલ 10,863 શો હતા અને ઓક્યુપન્સી 13.8 ટકા રહી હતી. ભાષાવાર કમાણીની વાત કરીએ તો હિન્દીમાં ફિલ્મે 2.85 કરોડ રૂપિયા, કન્નડમાં 1.04 કરોડ રૂપિયા, તમિલમાં 15 લાખ રૂપિયા, તેલુગુમાં 20 લાખ રૂપિયા અને મલયાલમમાં લગભગ 0.01 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ‘ટૉક્સિક’નું ભારતમાં કુલ નેટ કલેક્શન 239.30 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
