<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

કોમેડીના કિંગનો નેટફ્લિક્સ પર ફરી ધમાકો: 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' સીઝન ૫ ની સત્તાવાર જાહેરાતથી ચાહકો ઘેલા થયા!

નવજોત સિંહ સિદ્ધુ, સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની જોડી ફરી માચવશે ધૂમ: ૨૬મી સપ્ટેમ્બરથી તહેવારોની મોસમમાં હાસ્યનો અવિરત ડોઝ મળશે

મુંબઈ, તા.૧૬: વિશ્વભરના દર્શકોને પોતાના હાસ્યના પંચથી પેટપકડીને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મા પોતાના સુપરહિટ શોની નવી સીઝન સાથે પુનઃ પધારવા માટે સજ્જ છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ની ચાર અલ્ટ્રા-સક્સેસફુલ સીઝન બાદ હવે પાંચમી સીઝનની ધમાકેદાર જાહેરાત કરી દીધી છે. આ વખતે શોમાં કપિલ શર્માની સાથે કિકુ શારદા, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, અર્ચના પુરણ સિંહ અને ફેન્સના ચહીતા નવજોત સિંહ સિદ્ધુ સહિતની આખી સ્ટાર કાસ્ટ ફરી એકવાર ધમાલ મચાવતી જોવા મળશે.

કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવી સીઝનનો મજેદાર પ્રોમો શેર કરતા લખ્યું, "ઢોલ, નગારા બધું વાગશે, કારણ કે 'હંસી કા ત્યોહાર' હવે નેટફ્લિક્સ પર સજશે! 🥳 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' સીઝન ૫ - ૨૬મી સપ્ટેમ્બરથી દર શનિવારે રાત્રે ૮ વાગ્યે, ફક્ત નેટફ્લિક્સ પર."

તહેવારોની મોસમમાં ડબલ મનોરંજન
નવી સીઝન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કપિલ શર્માએ જણાવ્યું હતું કે, "દરેક સીઝન પૂરી થાય ત્યારે અમને લાગે છે કે અમે પૂરતી મસ્તી કરી લીધી છે, પણ પછી ખબર પડે છે કે હજુ તો ઘણું બધું પીરસવાનું બાકી છે! નેટફ્લિક્સના માધ્યમથી સમગ્ર વિશ્વના પ્રેક્ષકોએ આપેલા પ્રેમ બદલ અમે આભારી છીએ. આ વખતે આવનારા તહેવારો - પછી તે દિવાળી હોય કે ક્રિસમસ - અમે દર્શકો સાથે ધામધૂમથી ઉજવીશું."

સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે ઉત્સાહ
આ પ્રોમો રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. એક યુઝરે લખ્યું, "આખરે રાહ પૂરી થઈ! કપિલ અને સુનીલની જોડી ફરી જોવાની મજા આવશે." જ્યારે અન્ય એક ચાહકે કમેન્ટ કરી કે, "ઓરિજિનલ સ્ટાર્સ પાછા આવી ગયા છે, આ વખતે તો રેકોર્ડ તૂટશે!"

ભૂતકાળમાં ચમકી ચૂક્યા છે દિગ્ગજ સેલેબ્સ
ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૪માં શરૂ થયેલી આ શોની પ્રથમ સીઝનમાં રણબીર કપૂર અને નીતુ કપૂર આવ્યા હતા. ત્યારબાદ બીજી સીઝનમાં આલિયા ભટ્ટ અને કરણ જોહર, ત્રીજી સીઝનમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ચોથી સીઝનમાં ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા મેહમાન બન્યા હતા. હવે પાંચમી સીઝનનું ગ્રાન્ડ ઓપનિંગ કયા સેલિબ્રિટીઝ કરશે તે જાણવા માટે ફેન્સ અત્યંત ઉત્સુક છે.

(4:37 PM IST)