<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

સિનેમાપ્રેમીઓ માટે સુપર-ફ્રાઈડે: થિયેટર્સથી લઈને OTT સુધી જૂનનો છેલ્લો શુક્રવાર લાવશે મનોરંજનનું ઘોડાપૂર, એકસાથે રિલીઝ થશે ૧૧ ધાંસુ ફિલ્મો અને સિરીઝ

અક્ષય કુમારની મલ્ટીસ્ટારર 'વેલકમ ટુ ધ જંગલ' થિયેટરો ધ્રુજાવશે, તો રિતેશ દેશમુખની 'રાજા શિવાજી' નેટફ્લિક્સ પર મચાવશે ધૂમ; જ્હોન સીનાની કોમેડીથી લઈને 'બાહુબલી'ની ડોક્યુમેન્ટરી સુધી આ વીકએન્ડમાં જોવા માટે આ રહ્યું આખું લિસ્ટ

નવી દિલ્હી : વીકએન્ડ નજીક આવતાં જ જો તમે પણ કંટાળો દૂર કરવા માટે કોઈ મનોરંજક ફિલ્મ કે વેબ સિરીઝની રાહ જોઈ રહ્યા છો, તો જૂન મહિનાનો આ છેલ્લો શુક્રવાર તમારા માટે સિનેમાનો મોટો તહેવાર લઈને આવી રહ્યો છે. કાલે એટલે કે ૨૬ જૂનના રોજ બોક્સ ઓફિસથી લઈને ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ સુધી મનોરંજનનો મોટો વિસ્ફોટ થવા જઈ રહ્યો છે. આ શુક્રવારે નાની-મોટી થઈને કુલ ૧૧ શક્તિશાળી ફિલ્મો અને સિરીઝ ડિજિટલ પડદા અને થિયેટરોમાં એકસાથે દસ્તક આપી રહી છે, જેમાંથી ૩ થિયેટરમાં અને ૮ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. દર્શકો માટે આ વીકએન્ડમાં કંટાળવાનો કોઈ ચાન્સ નથી.

બોક્સ ઓફિસ પર ધમાકો: 'વેલકમ ટુ ધ જંગલ'

આ શુક્રવારની સૌથી મોટી અને મોસ્ટ અવેટેડ રિલીઝ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને ૩૬ કલાકારોની વિશાળ સ્ટારકાસ્ટ ધરાવતી કોમેડી-ડ્રામા ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' છે. આ સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝીના ગીતો અને ટ્રેલરે ઓલરેડી ધૂમ મચાવી દીધી છે, અને આવતીકાલે તે થિયેટરોમાં દર્શકોને હસાવવા માટે સજ્જ છે.

OTT પર આવી રહી છે ઐતિહાસિક બ્લોકબસ્ટર 'રાજા શિવાજી'

મરાઠી બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા બાદ રિતેશ દેશમુખ અભિનીત ઐતિહાસિક ફિલ્મ 'રાજા શિવાજી' હવે નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં બોલિવૂડના સુલતાન સલમાન ખાનનો ધમાકેદાર કેમિયો રોલ પણ છે, જે ઓટીટીના દર્શકો માટે મોટો આંચકો સાબિત થશે.

આ શુક્રવારે જોવા જેવી પ્રમુખ ફિલ્મો અને સિરીઝનું લિસ્ટ:

·         લિટલ બ્રધર (નેટફ્લિક્સ): WWE ના સુપરસ્ટાર જ્હોન સીના અને એરિક આન્દ્રેની આ 'R-Rated' કોમેડી ફિલ્મ પુખ્ત વયના દર્શકો માટે હાસ્યનો ઓવરડોઝ લાવશે.

·         બાહુબલી: ધ ટોર્ચબિયરર (નેટફ્લિક્સ): પ્રભાસની સુપરહિટ 'બાહુબલી' ફ્રેન્ચાઈઝી પાછળની મહેનત, મેકિંગ અને કલાકારોની સફર દર્શાવતી આ એક શાનદાર ડોક્યુમેન્ટરી સિરીઝ છે.

·         પરફેક્ટ ફેમિલી (સોની લિવ): ગુલશન દેવૈયા, નેહા ધૂપિયા અને મનોજ પાહવા અભિનીત તેમજ પંકજ ત્રિપાઠી દ્વારા નિર્મિત આ સિરીઝ દિલ્હીના એક નકલી સુખી પરિવારના મનોવૈજ્ઞાનિક તણાવ અને કોમેડીને રજૂ કરે છે.

·         એજન્ટ કિમ રીએક્ટિવેટેડ (નેટફ્લિક્સ): પ્રખ્યાત વેબટૂન પર આધારિત આ એક દક્ષિણ કોરિયન એક્શન-થ્રિલર સિરીઝ છે, જેમાં એક નિવૃત્ત એજન્ટ પોતાની પુત્રીને બચાવવા મેદાને પડે છે.

·         બ્લુ જાસ્મીન (પ્રાઇમ વિડીયો): હોલીવુડના કલાકારો કેટ બ્લેન્ચેટ અને એલેક બાલ્ડવિનની વર્ષ ૨૦૧૩ની પ્રખ્યાત અમેરિકન બ્લેક કોમેડી ફિલ્મ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર માણી શકાશે.

·         ક્રિસ અને માર્ટિના: ધ ફાઇનલ સેટ (નેટફ્લિક્સ): ૭૦ અને ૮૦ના દાયકાના ટેનિસ ઇતિહાસના બે મહાન ખેલાડીઓના જીવન પર આધારિત સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટરી.

આ સિવાય બાળપણથી અભિનયમાં ધૂમ મચાવનાર કુણાલ ખેમુ પણ સલમાન ખાન અને અનિલ કપૂર જેવા દિગ્ગજોના માર્ગે ચાલીને 'એલાયન્સ' સાથે કંઈક નવું લઈને આવી રહ્યા છે. તો તમારો પોપકોર્નનો ડબ્બો તૈયાર રાખો, કારણ કે આ વીકએન્ડમાં મનોરંજન ડબલ થવાનું છે!

(7:00 PM IST)