News of Tuesday, 7th July 2026
બોલિવૂડમાં ભીની આંખો: હેમા માલિનીએ જાહેર કર્યો ધર્મેન્દ્રનો અવસાન પહેલાંનો છેલ્લો ઈમોશનલ મેસેજ, 'કામ તો ચાલતું રહેશે, પણ પરિવાર સાથે એકતામાં રહેજો...'
સની અને બોબી દેઓલ વિશે હેમાજીએ કહી મોટી વાત; દેઓલ પરિવારના આંતરિક સંબંધો પરથી આખરે પડદો ઉંચકાયો; 'અમે પ્રચાર નથી કરતા, પણ અંદરથી બધા એક છીએ'

મુંબઈ, તા.૦૭: બોલિવૂડના 'હી-મેન' તરીકે જાણીતા પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના ૯૦મા જન્મદિવસના થોડા જ દિવસો પહેલાં થયેલા આ નિધનને કારણે સમગ્ર હિન્દી સિનેમા જગત હજુ પણ આઘાત અને શોકમાંથી બહાર આવી શક્યું નથી. આ દરમિયાન, તેમની પત્ની અને 'ડ્રીમ ગર્લ' હેમા માલિનીએ ધરમજીના અંતિમ દિવસોને યાદ કરીને એક અત્યંત ભાવુક ખુલાસો કર્યો છે. હેમાજીએ જણાવ્યું કે ધર્મેન્દ્રએ દુનિયા છોડતા પહેલાં તેમને પરિવાર અને બાળકોને લઈને એક ખાસ છેલ્લો સંદેશ આપ્યો હતો, જે આજે પણ તેમના કાનમાં ગુંજી રહ્યો છે.
"બાળકો સાથે રહો, આજના સમયમાં આ બહુ જરૂરી છે"
એક ઈન્ટરવ્યુ (હિન્દી રશ) દરમિયાન હેમા માલિનીએ ધરમજીની અંતિમ ઈચ્છા અને તેમની વાતચીત શેર કરતા કહ્યું હતું કે, "ધરમજી હંમેશા મને એક જ વાત સમજાવતા કે શક્ય તેટલો વધુ સમય બાળકો સાથે વિતાવો. તેઓ અવારનવાર કહેતા કે ગમે તે થાય પણ પરિવાર સાથે હંમેશા એકતામાં રહેજો. આજના સમયમાં આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે કમનસીબે હવે જોવા મળતી નથી. આજકાલ બાળકો બહુ નાની ઉંમરે પોતાના અલગ રસ્તે નીકળી જાય છે. તેમણે બરાબર આ જ શબ્દો કહ્યા હતા કે - 'પરિવાર સાથે રહો, બધા સાથે મળીને રહો. કામ તો આખી જિંદગી ચાલતું જ રહે છે, પરંતુ પરિવારને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ.'"
સની અને બોબી દેઓલ વિશે હેમા માલિનીનું હૃદયસ્પર્શી નિવેદન
સામાન્ય રીતે મીડિયામાં દેઓલ પરિવારના આંતરિક મતભેદો અને અંતરને લઈને ઘણી ચર્ચાઓ થતી રહે છે, પરંતુ હેમા માલિનીએ આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ધર્મેન્દ્ર અને તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરના પુત્રો - સની દેઓલ અને બોબી દેઓલની મુક્ત કંઠે પ્રશંસા કરતા હેમાજીએ તેમને "અદ્ભુત અને ખૂબ જ મીઠા છોકરાઓ" તરીકે વર્ણવ્યા હતા.
લાઈમલાઈટથી દૂર પણ દિલની નજીક
તેમણે વધુમાં ઉમેર્યું કે, "સની ખૂબ જ સરસ માણસ છે અને બોબી પણ એટલો જ સારો છે. અમે બધા હંમેશા એકબીજાની સાથે જ છીએ. હા, અમે અમારા પારિવારિક સંબંધોનો સોશિયલ મીડિયા કે પબ્લિસિટી માટે પ્રચાર નથી કરતા, પરંતુ આંતરિક રીતે અમે બધા ખૂબ સારા છીએ. અમે બધા એક છીએ અને અમારો એક ખૂબ જ ખુશ પરિવાર છે." હેમા માલિનીની આ ટિપ્પણી દર્શાવે છે કે ધરમજીના ગયા પછી પણ આખો દેઓલ પરિવાર તેમની છેલ્લી ઈચ્છા મુજબ એકતાના તાંતણે બંધાયેલો છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
