News of Saturday, 17th October 2026
અમદાવાદના ગોતામાંથી ૧૦ હજાર કિલો નકલી સોસનો જથ્થો ઝડપાયો: પપૈયાનો પલ્પ, બટાકા અને સિન્થેટિક કેમિકલથી બનતી ખાદ્ય સામગ્રીનો પર્દાફાશ
'આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ' નામે ચાલતી ગેરકાયદે ફેક્ટરી પર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગના મેગા દરોડાથી ખાણીપીણી બજારમાં હડકંપ : હોટેલ્સ અને લારી - ગલ્લાવાળાઓને સસ્તાં ભાવે કરાતું હતું હાનિકારક જથ્થાનું વેચાણ

અમદાવાદ: શહેરમાં તહેવારોની મોસમ ટાણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે ગોતા વિસ્તારમાં આવેલી એક ગેરકાયદે ફેક્ટરી પર સપાટો બોલાવીને આશરે ૧૦,૦૦૦ કિલોગ્રામ (૧૦ ટન) જેટલો શંકાસ્પદ અને અસ્વચ્છ નકલી સોસનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી સમગ્ર ખાણીપીણી બજારમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
મેલડી એસ્ટેટમાં ધમધમતી ફેક્ટરી પર દરોડા:
પ્રાપ્ત વિગતો મુજબ, ગોતા નજીક આવેલા મેલડી એસ્ટેટમાં 'આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ' નામે ચાલતી આ ગેરકાયદે ફેક્ટરી પર ફૂડ વિભાગની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું કે અહીં અસલી ટમેટા કેચપ કે સોસ બનાવવાને બદલે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
આ ફેક્ટરીમાં પપૈયાનો પલ્પ, બટાકાનો પાવડર અને ઝેરી સિન્થેટિક કેમિકલ કલર્સ ભેળવીને મોટા પ્રમાણમાં નકલી સોસ તૈયાર કરવામાં આવતો હતો. આ હલકી ગુણવત્તાવાળો અને જોખમી પદાર્થોથી બનેલો સોસ ખૂબ જ સસ્તા ભાવે શહેરના વિવિધ કોમર્શિયલ એકમો, નાઈટ ફૂડ માર્કેટ, હોટેલ્સ અને લારી-ગલ્લાવાળાઓને સપ્લાય કરવામાં આવતો હતો, જેનો સીધો ઉપયોગ ગ્રાહકો પોતાના ખાદ્ય પદાર્થોમાં કરતા હતા.
અગાઉ દાણીલીમડા સહિતના વિસ્તારોમાં પણ ભેળસેળના કિસ્સા સામે આવી ચૂક્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જપ્ત કરાયેલા જથ્થાના સેમ્પલ મેળવીને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે, તેમજ આ ગેરકાયદેસર યુનિટને સીલ કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
