News of Saturday, 19th September 2026
ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ હવે માત્ર ૧૦ મિનિટમાં દર્દીઓ સુધી પહોંચશે : આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું મોટું આયોજન
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૮૯ નવી એમ્બ્યુલન્સો ફાળવાશે : કઠીન રસ્તાઓ અને પૂર પ્રભાવિત વિસ્તારો માટે ૧૨ ખાસ ફોર-વ્હીલ-ડ્રાઇવ એમ્બ્યુલન્સ સેવાઓમાં જોડાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતના અંતરિયાળ અને દુર્ગમ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આગળ ધપાવતા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પસંદ કરાયેલા આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ૮૯ નવી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સો મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ નવી એમ્બ્યુલન્સોના ઉમેરા સાથે આદિજાતિ વસ્તી ધરાવતા વિસ્તારોમાં એમ્બ્યુલન્સોની કુલ સંખ્યા ૫૫૩ થી વધીને ૬૪૨ થઈ જશે.
ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમમાં મોટો ઘટાડો થશે:
હાલમાં સમગ્ર રાજ્યમાં ૧૦૮ સેવાઓનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૩ મિનિટ અને ૯ સેકન્ડ છે. જેમાં શહેરી વિસ્તારોમાં આ સમય અંદાજે ૯ મિનિટ અને ૫૫ સેકન્ડ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે ૧૬ મિનિટ અને ૨૮ સેકન્ડ છે. જોકે, ભૌગોલિક પડકારોને કારણે આદિજાતિ વિસ્તારોમાં સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૮ મિનિટ અને ૩૨ સેકન્ડ જેટલો વધુ નોંધાય છે. રાજ્ય સરકારની આ નવી પહેલથી આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ ઘટીને લગભગ ૧૦ મિનિટ થઈ જશે. આનાથી દર્દીઓને 'ગોલ્ડન અવર'માં સમયસર નિર્ણયાયક સારવાર અને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાનું સુનિશ્ચિત બનશે, જે આદિજાતિ અને બિન-આદિજાતિ વિસ્તારો વચ્ચેના વર્તમાન તફાવતને દૂર કરવામાં મદદ કરશે.
૮૯ નવી એમ્બ્યુલન્સોની વિશેષતાઓ:
આદિજાતિ વિસ્તારોની વિવિધ ઇમરજન્સી જરૂરિયાતોને ધ્યાને રાખીને અત્યાધુનિક એમ્બ્યુલન્સોનું આયોજન કરવામાં આવ્યું છે:
* ૨૨ એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ (ALS) એમ્બ્યુલન્સ: ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે.
* ૫૫ બેઝિક લાઈફ સપોર્ટ (BLS) એમ્બ્યુલન્સ: ઇમરજન્સી પરિવહન અને જીવનરક્ષક જરૂરિયાતો માટે.
* ૧૨ ફોર-વ્હીલ-ડ્રાઇવ (4WD) એમ્બ્યુલન્સ: કઠીન ભૌગોલિક પરિસ્થિતિઓ, કાચા રસ્તાઓ તથા ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિમાં દર્દીઓ સુધી સરળતાથી પહોંચવા માટે ખાસ ડિઝાઇન કરાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા આ ૮૯ નવી ઇમરજન્સી એમ્બ્યુલન્સોની ખરીદી પ્રક્રિયા હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં જ તેને આદિજાતિ વિસ્તારોમાં સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવામાં આવશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
