News of Sunday, 1st November 2026
દિવાળી પર્વ નિમિત્તે રાજ્યની જેલોના ૧૪૩ પાત્રતા ધરાવતા કેદીઓને ૧૫ દિવસના પેરોલ મંજૂર કરાયા : પરિવાર સાથે ઉજવી શકશે તહેવાર
૬૦ વર્ષથી વધુ વયના ૧૦૩ પુરુષ અને ૪૦ મહિલા કેદીઓને ધનતેરસથી મળશે રજાનો લાભ : ગંભીર ગુનાના કેદીઓને પેરોલમાંથી રખાયા બાકાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્ય સરકારની જેલ સુધારણા નીતિ અને કેદી કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે દિવાળીના પાવન પર્વે કેદીઓ પોતાના પરિવારજનો સાથે તહેવારની હરખભેર ઉજવણી કરી શકે તે માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા પાત્રતા ધરાવતા કુલ ૧૪૩ કેદીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસના દિવાળી પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩થી પ્રતિવર્ષ દિવાળીના તહેવાર નિમિત્તે પાત્રતા ધરાવતા કેદીઓને ૧૫ દિવસની પેરોલ રજા આપવાની વિશેષ યોજના ચલાવવામાં આવે છે. આ નીતિ હેઠળ મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરુષ કેદીઓને તહેવાર પોતાના પરિવાર સાથે વિતાવવાની તક મળે છે.
આ નિર્ણય અન્વયે આ વર્ષે ૬૦ વર્ષ કે તેથી વધુ વયના ૧૦૩ પુરુષ કેદીઓ અને ૪૦ મહિલા કેદીઓ મળીને કુલ ૧૪૩ સજામાફી પાત્ર કેદીઓને ધનતેરસના દિવસથી, એટલે કે તા. ૦૬/૧૧/૨૦૨૬થી ૧૫ દિવસના સમયગાળા માટે પેરોલ મુક્તિ આપવામાં આવશે.
જેલ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારી નિયમો અનુસાર ગંભીર અને સમાજવિરોધી ગુનાઓમાં સંકળાયેલા કેદીઓને આ યોજનાનો લાભ મળતો નથી. જેમાં હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય તેવા કેદીઓ, એનઆરઆઈ કેદીઓ, અન્ય રાજ્યના વતની, એનડીપીએસ એક્ટ, ટાડા અને પોટા હેઠળના ગુનેગારો, આતંકવાદી કે આર્થિક ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓ, એકથી વધુ ગુનાઓમાં સજા પામેલા તેમજ બળાત્કાર, અપહરણ, લૂંટ, ધાડ, ચોરી કે નાણાં પડાવવા જેવા ગંભીર ગુનાના કેદીઓ અને પ્રતિબંધાત્મક હુકમો ધરાવતા કેદીઓને દિવાળી પેરોલમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
