News of Thursday, 15th October 2026
સરકારી હોસ્પિટલોમાં મોતિયાની અદ્યતન સારવાર માટે રૂ. ૮.૮૫ કરોડના ખર્ચે ૧૮ ‘ફેકો મશીન’ મંજૂર - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા
અમદાવાદ, સુરત, ભાવનગર, મોરબી, જામનગર અને ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને મળશે અત્યાધુનિક ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ અને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના અભિગમ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં નેત્ર રોગની અદ્યતન સારવાર તેમજ મોતિયાના ઓપરેશન (Cataract Surgery) માટે અત્યંત ઉપયોગી એવા ૧૮ ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ વસાવવાની મંજૂરી આપવામાં આવી છે.
રૂ. ૮.૮૫ કરોડથી વધુનો અંદાજિત ખર્ચ અને ફાળવણી:
‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ ની કુલ કિંમત રૂ. ૮.૮૫ કરોડથી વધુના અંદાજિત ખર્ચે ખરીદવામાં આવનારા આ અદ્યતન મશીનો રાજ્યની વિવિધ સરકારી આંખની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં ફાળવવામાં આવશે, જેથી સામાન્ય દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ટેકનોલોજીથી નેત્ર સારવારનો લાભ મળી શકશે.
સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ મશીનોની વિગતવાર વહેંચણી નીચે મુજબ છે:
* એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ - ૭ મશીન
* ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગર - ૨ મશીન
* જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ, મોરબી - ૨ મશીન
* ન્યૂ સિવિલ હોસ્પિટલ, સુરત - ૧ મશીન
* ઓલ્ડ સિવિલ હોસ્પિટલ, સુરત - ૧ મશીન
* જી.જી. જનરલ હોસ્પિટલ, જામનગર - ૧ મશીન
* જનરલ હોસ્પિટલ, ઈ.એસ.આઈ.સી., વડોદરા - ૧ મશીન
* જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ, ગાંધીનગર - ૧ મશીન
* જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ, વડનગર - ૧ મશીન
* જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ, હિંમતનગર - ૧ મશીન
‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ ની મુખ્ય વિશેષતાઓ અને ફાયદાઓ:
આ મશીન મોતિયાના ઓપરેશન માટેનું અત્યંત આધુનિક મેડિકલ સાધન છે, જેનાથી સર્જનને અલ્ટ્રાસાઉન્ડ એનર્જી, વેક્યૂમ અને પ્રવાહીના પ્રવાહ (Fluidics) પર સચોટ નિયંત્રણ મળે છે, જેના પરિણામે દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.
* આ મશીનના હેન્ડપીસમાં રહેલી અદ્યતન એલિપ્ટિકલ મૂવમેન્ટ ટેકનોલોજીની મદદથી મોતિયાના ટુકડાઓને સરળતાથી તોડીને દૂર કરી શકાય છે.
* CASE ટેકનોલોજી (Chamber Stabilization Environment) વેક્યૂમ અને પ્રવાહી પ્રવાહના ફેરફારોને નિયંત્રિત કરી, ઓપરેશન દરમિયાન આંખની અંદર અચાનક દબાણ ઘટવાના જોખમને (Post-Occlusion Surge) અટકાવે છે.
* પેરિસ્ટાલ્ટિક પમ્પ સિસ્ટમ પ્રવાહીના પ્રવાહ અને વેક્યૂમને ચોક્કસ રીતે નિયંત્રિત કરીને મોતિયાના કણોને સક્શન ટીપ વડે અસરકારક રીતે દૂર કરે છે.
* યુઝર-ફ્રેન્ડલી કંટ્રોલ સિસ્ટમ દ્વારા સર્જન ફૂટ પેડલની મદદથી સેટિંગ્સ સરળતાથી કરી શકે છે.
* મશીનનું ‘Ellips FX હેન્ડપીસ’ ઓપરેશન વખતે આંખ પર મૂકવામાં આવતા નાના કાપ પાસે વધુ પડતી ગરમી ઉત્પન્ન થવાનું જોખમ ઘટાડે છે. જેનાથી ઓપરેશન પછી આંખની કીકીમાં સોજો (Corneal Edema) તેમજ અન્ય આડ અસરો ઓછી થાય છે અને દર્દીને ઝડપથી રિકવરી મળે છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
