News of Sunday, 31st May 2026
181 નર્મદા ટીમની સમયસર કામગીરીથી દસ મહિનાના બાળકનું માતા સાથે કરાવાયું પુનઃમિલન
સાસરિયાં પક્ષ દ્વારા બાળકને માતાથી અલગ રાખવાના મામલે 181 નર્મદા ટીમે અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય સમજણ આપી માતા-પુત્રને ફરી મળાવ્યા હતા.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાંથી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન પર એક મહિલાનો કોલ પ્રાપ્ત થયો હતો. મહિલાએ જણાવેલ કે તેઓ થોડા દિવસ માટે પિયર જવા માંગતા હતા, પરંતુ સાસરી પક્ષ દ્વારા તેમના દસ મહિનાના બાળકને પોતાની પાસે રાખી માતાને બાળક આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો હતો. બાળકથી દૂર થતા મહિલાએ વ્યથિત થઈ 181 નર્મદા ટીમ પાસે મદદ માંગી હતી.
કોલ મળતા જ 181 નર્મદા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષ સાથે વાતચીત કરી પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો. ટીમ દ્વારા સાસરી પક્ષને કાયદાકીય સમજણ આપતા જણાવાયું કે નાની ઉંમરના બાળકના ઉછેર અને સંભાળમાં માતાની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે તથા બાળકને માતાથી બળજબરીપૂર્વક અલગ રાખવું બાળકના હિતમાં નથી. ઉપરાંત બાળકના કબજા અને સંભાળ બાબતે કાયદાકીય રીતે માતાના હકો અંગે પણ સમજણ આપવામાં આવી હતી.
ટીમ દ્વારા મહિલાના પતિ અને સાસુને વિગતવાર સમજાવટ અને સલાહ-સૂચન આપવામાં આવ્યા હતા. અસરકારક કાઉન્સેલિંગ બાદ સામે પક્ષ પોતાની ભૂલ સમજી ગયો અને બાળક માતાને પરત સોંપવામાં આવ્યું. બાળકને ફરીથી પોતાની પાસે મેળવી મહિલામાં માતૃપ્રેમ છલકાયો હતો.
આ સાથે 181 ટીમ દ્વારા મહિલાને પણ પરિવારિક સંબંધોને જાળવી રાખવા માટે થોડા દિવસ પિયરમાં રહી બાદમાં સાસરીમાં પરત જવા અંગે સમજણ આપવામાં આવી હતી.
આમ, 181 અભયમ્ ટીમ નર્મદા દ્વારા સમયસર હસ્તક્ષેપ કરી માતા અને પુત્રને ફરી એક કરવામાં તેમજ બંને પક્ષ વચ્ચે સંબંધો સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
