<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

માં અંબાને 200 ગ્રામનો સોનાનો નવલખા હાર અર્પણ; ચેન્નઈના માઈભક્તે રૂ.26.91 લાખનો હાર અર્પણ કર્યો

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને મંદિરની ગાદીના ભટ્ટજી મહારાજ દ્વારા માં અંબાના દરબારમાં 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો

નવા વર્ષના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને મંદિરની ગાદીના ભટ્ટજી મહારાજ દ્વારા માં અંબાના દરબારમાં 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારનાં વ્યંજનો માતાજીને સન્મુખ ધરાવવામાં આવ્યાં હતાં.

અન્નકૂટ ધરાવ્યા બાદ બપોરે માતાજીની વિશેષ આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ અન્નકૂટનાં દર્શનનો લાભ લીધો હતો. શિયાળાની ઋતુમાં વર્ષ દરમિયાન સારું ધન-ધાન્ય અને ફળફળાદિ પ્રાપ્ત થાય તેવી ભાવના સાથે નવા વર્ષના પ્રારંભે સૌપ્રથમ માતાજીને અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. ભગવાન શ્રીકૃષ્ણના સમયથી ગોવર્ધન પૂજાની પરંપરા અનુસાર અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પ્રસંગે માતાજીને સોનાના થાળમાં રાજભોગ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ, નવા વર્ષના પાવન પ્રસંગે એક માઈભક્ત દ્વારા માં અંબાને કિંમતી સોનાનો નવલખા હાર અર્પણ કરવામાં આવ્યો હતો. ચેન્નઈના મૂળ વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલા ભક્તે અંદાજે 200 ગ્રામ વજનનો અને રૂ.26 લાખ 91 હજારની કિંમતનો સોનાનો નવલખા હાર માતાજીના ચરણે અર્પણ કર્યો હતો. હારના દાતા પોતાના પરિવાર સાથે અંબાજી પહોંચ્યા હતા અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે આ હાર અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સંજયભાઈ પ્રજાપતિને અર્પણ કર્યો હતો.

વિક્રમ સંવત 2083ના પ્રારંભે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને ભટ્ટજી મહારાજે પણ સમગ્ર માઈભક્તોને માતાજીની ગાદી અને માં અંબે તરફથી આશીર્વાદ પાઠવ્યા હતા. નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં અન્નકૂટ મહોત્સવ, વિશેષ આરતી અને સોનાના હારના અર્પણ સાથે ભક્તિભાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

 

(12:39 PM IST)