<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

રોડ અકસ્‍માતમાં દર કલાકે ૨૬ને ઈજા

ચાર મહિનામાં ૭૩ હજારથી વધુ લોકોને ઈજા : રોડ એક્‍સિડેન્‍ટના ૪૦ ટકા કેસ અમદાવાદ-સુરત-વડોદરા અને રાજકોટમાં: ઓવરસ્‍પીડથી અકસ્‍માતના સૌથી વધુ કેસ

 

અમદાવાદ,તા.૪: ગુજરાતમાં રોડ એક્‍સિડેન્‍ટના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જાન્‍યુઆરીથી એપ્રિલ એમ ચાર મહિનામાં રોડ એક્‍સિડેન્‍ટમાં ૭૩૮૧૫ લોકોને ઈજા થઈ છે. આમ, પ્રતિ કલાકે સરેરાશ ૨૬ જ્‍યારે પ્રતિ દિવસે સરેરાશ ૬૧૫ લોકોને રોડ એક્‍સિડેન્‍ટમાં ઈજા થાય છે.

ઈમરજન્‍સી સેવા ‘૧૦૮' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ગયા વર્ષે જાન્‍યુઆરીથી એપ્રિલ દરમિયાન રોડ એક્‍સિડેન્‍ટના ૫૮૭૮૦ કેસ નોંધાયા હતા. આમ, ગયા વર્ષે જાન્‍યુઆરીથી એપ્રિલની સરખામણીએ આ વખતે રોડ એક્‍સિડેન્‍ટથી થતી ઈજાના કેસમાં ૨૬ ટકા જેટલો વધારો થયો છે. ગયા વર્ષે દરરોજના સરેરાશ ૪૯૦ લોકોને માર્ગ અકસ્‍માતમાં ઈજા થતી હતી.

ગુજરાતમાં રોડ એક્‍સિડેન્‍ટથી સૌથી વધુ ઈજા થતી હોય તેવા જિલ્‍લામાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં જાન્‍યુઆરીથી એપ્રિલ દરમિયાન આ વર્ષે ૧૧૦૯૩ જ્‍યારે ગયા વર્ષે ૯૫૯૧ કેસ નોંધાયા હતા. આમ, અમદાવાદમાં ગયા વર્ષની સરખામણીએ માર્ગ અકસ્‍માતમાં થતી ઈજાના કેસમાં ૧૩ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ ચાર વ્‍યક્‍તિને માર્ગ અકસ્‍માતમાં ઘાયલ થયા બાદ ૧૦૮ની મદદ લેવી પડે છે.

ગુજરાતમાં અકસ્‍માતના ૪૦ ટકા કેસ અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટમાં નોંધાય છે. જાણકારોના મતે અકસ્‍માતના મોટાભાગના કેસમાં ઓવરસ્‍પીડ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ જેવા પરિબળો મુખ્‍ય જવાબદાર છે.

(10:29 AM IST)