<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

થરાદમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાઈ

ઠાકોર સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું રૂ. 85 હજારનું ભવ્ય મામેરું ભરવામાં આવ્યું: નાસિક ઢોલના ગાજતા નાદ, ભજન-કીર્તન અને જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનું નવા રામજી મંદિરમાં ભવ્ય સ્વાગત

બનાસકાંઠાના થરાદમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાઈ હતી. રથયાત્રા અંતર્ગત ઠાકોર સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું રૂ. 85 હજારનું ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું. નાસિક ઢોલના ગાજતા નાદ, ભજન-કીર્તન અને જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનું નવા રામજી મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.

અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે થરાદ તાલુકાના ઠાકોર સમાજે ભગવાન જગન્નાથજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરતાં રૂ. 85 હજારનું મામેરું અર્પણ કર્યું હતું. મામાના ઘરેથી ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીની વિજય યાત્રા નાસિક ઢોલ, બેન્ડ-વાજા અને ભક્તોના જયઘોષ સાથે નીકળી હતી. નવા રામજી મંદિર સુધીની યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માર્ગભરમાં પુષ્પવર્ષા કરીને ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડી.ડી. રાજપૂત, શૈલેષભાઈ પટેલ, ઉમેદદાન ગઢવી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. શ્રી રામ સેવા સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં માઈભક્તોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધર્મલાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

અષાઢી બીજને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને કૃષિ જીવન માટે શુભ દિવસ તરીકે માનવામાં આવે છે. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોરે ભગવાન જગન્નાથજી સમક્ષ સમગ્ર વાવ-થરાદ વિસ્તાર, બનાસકાંઠા જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેમજ ખેડૂતો અને સામાન્ય લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી. ભક્તોએ પણ ભગવાન જગન્નાથજી સૌ પર કૃપા વરસાવે અને રાજ્યમાં સારા વરસાદ સાથે સમૃદ્ધિ આવે તેવી કામના વ્યક્ત કરી હતી.

(9:06 PM IST)