તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહી મૂલ્યાંકનમાં બેદરકારી બદલ સુરતના 370 શિક્ષકોને ₹5.77 લાખનો દંડ ફટકારાયો
ધોરણ 10 ના એક શિક્ષકે 132 ભૂલો કરી:ધોરણ 10ના 162 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના 104-104 શિક્ષકો સામે 2027ની પરીક્ષામાં તકેદારી રાખવા આ કાર્યવાહી કરાઈ સુરત DEO ભગીરથસિંહ પરમાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી બોર્ડ પરીક્ષાના પેપર ચેકિંગમાં શિક્ષકોની ગંભીર અને ચોંકાવનારી લાપરવાહી સામે આવી છે. માર્ચ 2026માં યોજાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં સુરત જિલ્લાના સેંકડો શિક્ષકોએ બેદરકારી દાખવી હતી. આ મામલે બોર્ડ દ્વારા લાલ આંખ કરીને સુરતના કુલ 370 શિક્ષકોને અંદાજે ₹5.77 લાખનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે.
મૂલ્યાંકન કામગીરી દરમિયાન થયેલી ભૂલોની વિગતો અત્યંત ચોંકાવનારી છે. ધોરણ 10ની ઉત્તરવહી તપાસતી વખતે એક જ શિક્ષકે એકલા હાથે 132 જેટલી ભૂલો કરી હોવાનું બહાર આવ્યું છે. ગુણ ગણતરી, સરવાળા તેમજ પ્રશ્નોના માર્કિંગમાં શિક્ષકોની આવી ગંભીર બેદરકારીના કારણે સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ અને ભવિષ્ય પર પડતી હોય છે, જેને ધ્યાને રાખીને બોર્ડે દંડાત્મક પગલાં લીધાં છે.
શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ત્રણેય પ્રવાહના શિક્ષકો ઝપટે ચડ્યા છે. ધોરણ 10 (SSC)ના કુલ 162 શિક્ષકોને ₹2.44 લાખનો દંડ ફટકારાયો છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ 104 શિક્ષકોને ₹1.35 લાખનો દંડ કરાયો છે, જેમાં એક શિક્ષકને મહત્તમ ₹3600 સુધીનો દંડ થયો છે. તો બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 104 શિક્ષકોને ₹1.93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં મહત્તમ દંડની રકમ ₹2000 રહી છે.
સુરતના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારએ સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, માર્ચ 2026ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી દરમિયાન સુરતના 370 શિક્ષકોએ ભૂલો આચરી હતી, જેના દંડ પેટે કુલ ₹5.77 લાખની રકમ નક્કી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આગામી વર્ષ 2027ની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન શિક્ષકો સંપૂર્ણ તકેદારી રાખે, જવાબદારીપૂર્વક મૂલ્યાંકન કરે અને ભવિષ્યમાં આવી ઘોર ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તમામ શિક્ષકોને કડક સૂચનાઓ પણ જારી કરી દેવામાં આવી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
