<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

તથ્‍ય પટેલ સાથે કારમાં સવાર ૫ સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયાઃ હોસ્‍ટાઇલ જાહેર

અમદાવાદના ચકચારી ઇસ્‍કોન બ્રિજ અકસ્‍માત કેસની કોર્ટ કાર્યવાહીમાં મોટો વળાંક આવ્‍યો સરકારી પક્ષની મુશ્‍કેલી વધી, આગામી કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર

અમદાવાદ તા.૧૭: અમદાવાદ શહેરના ઇતિહાસના સૌથી ચકચારી ગણાતા ઇસ્‍કોન બ્રિજ અકસ્‍માત કેસની ન્‍યાયિક પ્રક્રિયામાં એક અત્‍યંત ચોંકાવનારો અને મોટો વળાંક આવ્‍યો છે. કોર્ટની ચાલુ કાર્યવાહી દરમિયાન કેસના સૌથી મહત્‍વપૂર્ણ ગણાતા એવા ૫ સાક્ષીઓ પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા છે. અકસ્‍માત સમયે મુખ્‍ય આરોપી તથ્‍ય પટેલ સાથે કારમાં સવાર રહેલા આ પાંચેય સાક્ષીઓએ કોર્ટ સમક્ષ કારની ઝડપ અંગે પોતે અજાણ હોવાની જુબાની આપતા સમગ્ર કેસની ટ્રાયલમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇસ્‍કોન બ્રિજ પર સર્જાયેલી ભયાનક દુર્ઘટના સમયે મુખ્‍ય આરોપી તથ્‍ય પટેલની લક્‍ઝરી કારમાં તેની સાથે ૫ વ્‍યક્‍તિઓ સવાર હતા, જેમને પોલીસ દ્વારા આ કેસમાં મહત્‍વના પ્રત્‍યક્ષદર્શી સાક્ષી બનાવવામાં આવ્‍યા હતા.

અગાઉ તપાસ દરમિયાન આ સાક્ષીઓએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્‍યું હતું. પરંતુ, હવે કોર્ટમાં જુબાની આપતી વખતે આ પાંચેય સાક્ષીઓએ પોલીસ સમક્ષ આપેલા પોતાના અગાઉના નિવેદનોથી સંપૂર્ણપણે ફેરવી તોળ્‍યું છે. કોર્ટમાં તેમણે એવું નિવેદન આપ્‍યું હતું કે અકસ્‍માત સમયે કારની ઝડપ કેટલી હતી તે અંગે તેઓ અજાણ હતા. સાક્ષીઓના આ બદલાયેલા વલણને પગલે કોર્ટ દ્વારા આ પાંચેય સાક્ષીઓને હોસ્‍ટાઇલ જાહેર કરવામાં આવ્‍યા છે.

અકસ્‍માત સમયે કારની અંદર જ હાજર રહેલા ૫ સાક્ષીઓ હોસ્‍ટાઇલ જાહેર થવાને કારણે ટ્રાયલમાં મોટો વળાંક આવ્‍યો છે. આ ઘટનાક્રમથી કેસ લડી રહેલા સરકારી પક્ષની મુશ્‍કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે કારની અતિશય ઝડપ અને બેદરકારી સાબિત કરવા માટે આ સાક્ષીઓની જુબાની અત્‍યંત મહત્‍વની કડી માનવામાં આવતી હતી.હવે આ મહત્‍વના સાક્ષીઓ ફરી ગયા બાદ સરકારી પક્ષ કેસને મજબૂત રાખવા અને આરોપી સામે ગુનો સાબિત કરવા માટે કયા અન્‍ય ટેકનિકલ પુરાવા (Technical Evidence), ફોરેન્‍સિક રિપોર્ટ અને કાયદાકીય વિકલ્‍પોનો સહારો લે છે, તેના પર સમગ્ર રાજ્‍ય અને પીડિત પરિવારોની નજર ટકેલી છે.

(4:08 PM IST)