News of Wednesday, 29th April 2026
સુરતમાં આલુપુરીની દુકાને ૧૧ વર્ષની માસૂમ બાળકીની છેડતી કરનાર ૫૬ વર્ષીય આધેડ નરાધમની શાન ઠેકાણે લાવતી અમરોલીની મહિલાઓ : પોલીસની હાજરીમાં જ આરોપી પર લાતો અને ચપ્પલનો વરસાદ
દાદાની ઉંમરના દુકાનદાર દિનેશ રામાણીએ વાળ સરખા કરવાના બહાને બાળકી સાથે કર્યા અડપલાં : પોલીસે ધરપકડ કરી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરતા રોષે ભરાયેલા લોકટોળાએ આરોપીનો ટપલીદાવ કરી મેથીપાક ચખાડ્યો

સુરત: બુધવાર : સુરત શહેરના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં દાદાની ઉંમરના એક આધેડ દુકાનદારે ૧૧ વર્ષની માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે છેડતી કરી હતી. જોકે, આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. આજે જ્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લાવવામાં આવ્યો ત્યારે સ્થાનિક મહિલાઓએ કાયદો હાથમાં લઈ પોલીસની હાજરીમાં જ નરાધમ પર લાતો અને ચપ્પલ વડે હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
વાળ સરખા કરવાના બહાને આચર્યું અધમ કૃત્ય:
મળતી વિગતો અનુસાર, અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ રો-હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં દિનેશ જીવરાજભાઈ રામાણી (ઉં.વ. ૫૬, મૂળ રહે. માખીયાણા, જૂનાગઢ) 'શ્રીજી લાઈવ આલુપુરી' નામની દુકાન ચલાવે છે. ગઈકાલે બપોરે ૧૨ થી ૧ વાગ્યાના સમયગાળામાં આ વિસ્તારમાં રહેતી એક ૧૧ વર્ષની બાળકી આલુપુરી લેવા માટે આ દુકાને ગઈ હતી. તે સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક ન હોવાથી દિનેશ રામાણીની દાનત બગડી હતી. તેણે બાળકીને પ્રેમથી બોલાવી અંદર ટેબલ પર બેસાડી હતી અને 'તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપું' તેમ કહી નજીક બોલાવી બાળકીના શરીર સાથે અયોગ્ય અડપલાં શરૂ કર્યા હતા.
હિંમતવાન બાળકીએ માતા-પિતાને આપવીતી જણાવી:
આધેડની વિકૃત હરકતથી ગભરાઈ ગયેલી બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી અને પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. દીકરીની વાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત અમરોલી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની ગંભીરતા જોઈ આરોપી દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી.
રિકન્સ્ટ્રક્શન સમયે મહિલાઓનો ઉગ્ર આક્રોશ:
આજે બપોરે અમરોલી પોલીસ દ્વારા આરોપી દિનેશ રામાણીને તપાસના ભાગરૂપે તેની દુકાને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતા જ આસપાસના રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસની હાજરીમાં જ રોષે ભરાયેલી મહિલાઓએ આરોપી પર ટપલીદાવ કર્યો હતો. એક મહિલાએ આરોપીને જોરથી લાત મારી હતી, જ્યારે અન્ય એક મહિલાએ પોતાનું પગરખું કાઢીને તેને ફટકારવાનું શરૂ કર્યું હતું. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા હતી કે આ આરોપીએ અગાઉ પણ આવી હરકતો કરી હોઈ શકે છે. પોલીસે માંડ-માંડ આરોપીને ઉશ્કેરાયેલા ટોળાથી બચાવીને ગાડીમાં બેસાડી રવાના કર્યો હતો.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
