News of Wednesday, 30th September 2026
થરાદના દૂધવા ગામની સીમમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે ફટાકડાના 64 લાખનો જથ્થો ઝડપી લેવાયો
જ્વલનશીલ ફટાકડાનો મોટો જથ્થો રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવતા લોકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના દૂધવા ગામમાં દિવાળી પર્વ પહેલા ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરેલ જથ્થો ઝડપી પાડ્યો છે. વાવ થરાદ જિલ્લા SOGની ટીમે દિવાળી પહેલા દુધવા ગામની સીમમાંથી ઈશ્વર પટેલના રહેણાંક મકાનમાંથી રૂ.64 લાખથી વધુનો ફટાકડાનો જથ્થો ઝડપાયો છે. પોલીસના જણાવ્યા મુજબ રહેણાંક મકાનમાં લાયસન્સ કે પરવાના વગર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરાયો હતો. આ સાથે જ ફાયર સેફ્ટીના સાધનો અને જરૂરી પ્રમાણપત્ર ન હોવાનું પણ સામે આવ્યું છે. જ્વલનશીલ ફટાકડાનો મોટો જથ્થો રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવતા લોકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. હાલમાં તો પોલીસે ફટાકડાનો જથ્થો ઝડપી ઈશ્વર પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દિવાળી પહેલા વાવ-થરાદમાં ગેરકાયદે ફટાકડાના સંગ્રહ સામે પોલીસની મોટી કાર્યવાહી જિલ્લા SOG ટીમે બાતમીના આધારે થરાદ તાલુકાના દૂધવા ગામમાં ઈશ્વર પટેલના ઘરે રેડ કરી હતી. SOGની રેડ દરમિયાન ચોંકાનારી ઘટના સામે આવી છે. SOGની રેડ દરમિયાન ઈશ્વર પટેલના ઘરેથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ફટાકડાનો જથ્થો જોઈ પોલીસ પણ ચોકી ગઈ હતી. રહેણાંક મકાનમાં લાયસન્સ કે પરવાના વગર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસના દાવા મુજબ મકાનમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનો પણ ઉપલબ્ધ નહોતા અને સક્ષમ અધિકારીનું ફાયર સેફ્ટી પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું નહોતું.
SOGએ દરોડો પાડતા અલગ-અલગ 112 બ્રાન્ડના કુલ રૂ.64 લાખ 42 હજાર 821ની કિંમતના ફટાકડા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આશરે દસ દિવસ અગાઉ ઈશ્વર પટેલે હિંમતનગર તરફથી ફટાકડાનો જથ્થો લાવીને પોતાના રહેઠાણના મકાનમાં સંગ્રહ કર્યો હતો. જ્વલનશીલ અને વિસ્ફોટક પદાર્થનો આ રીતે સંગ્રહ કરવામાં આવતા લોકોની સલામતી સામે જોખમ ઊભું થઈ શકે છે.
આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી ઈશ્વર પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે સવાલ એ છે કે, નિયમો વિરુદ્ધ ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરનાર અન્ય લોકો સામે પણ તંત્ર કડક કાર્યવાહી કરશે કે કેમ? દિવાળીના તહેવાર દરમિયાન આવી કોઈ પણ બેદરકારીને કારણે જાનમાલનું નુકસાન ન થાય તે માટે તંત્રની સઘન તપાસ જરૂરી બની છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
