<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

ગુજરાત હાઇકોર્ટે પારિવારિક વિખવાદના કેસમાં મહત્‍વનો ચુકાદો આપ્‍યો

અલગ રહેતી પત્‍ની પાસે પોતાનું ઘર હોય તો પણ પતિએ ભાડુ ચુકવવું પડે

આ ઉપરાંત સંતાન જો તેની માતા સાથે રહેતુ હોય તો તેના શૈક્ષણિક ખર્ચની ચુકવણી કરવી પડેઃ આ કેસમાં ૨૦૦૫માં લગ્ન કર્યા પછી ૧૧ વર્ષમાં પતિ-પત્‍ની વચ્‍ચે ડખો થયો હતોઃ પતિ-પત્‍ની વચ્‍ચે વિવાદ હોય ત્‍યારે મહિલાને રહેવા માટે મકાન મળવું જોઇએ

અમદાવાદ,તા. ૧૫: પતિ-પત્‍ની વચ્‍ચે વિખવાદ થાય અને મામલો કોર્ટ સુધી પહોંચે ત્‍યારે ઘણી વખત સ્ત્રીના અધિકારો વિશે કોર્ટે મહત્ત્વના ચુકાદા આપવા પડે છે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું છે કે પતિ પત્‍ની વચ્‍ચે વિવાદ હોય ત્‍યારે મહિલાને રહેવા માટે મકાન મળવું જોઈએ અને પતિ આ મકાનનું ભાડું ચૂકવવાનો ઇનકાર કરી ન શકે. કોઈ મહિલા પાસે પોતાના નામે પ્રોપર્ટી હોય તો પણ પુરુષ તેને ભાડું આપવાની ના પાડી ન શકે.

ગુજરાત હાઈકોર્ટના જસ્‍ટિસ જે સી દોશીએ જણાવ્‍યું કે પત્‍ની પાસે પોતાના નામે મિલ્‍કત હોય તો પણ આ કારણથી પતિ તેને મકાનનું ભાડું આપવાની ના પાડી ન શકે. પતિએ ડોમેસ્‍ટિક વાયોલેન્‍સના કાયદા હેઠળ પત્‍નીને મકાનનું ભાડું ચૂકવવું પડે. પતિએ મકાનનું ભાડું ચૂકવવું ન પડે તે માટે અરજી કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

આ કેસની વિગત પ્રમાણે વર્ષ ૨૦૦૫માં દંપતીના લગ્ન થયા હતા અને તેમને એક પુત્ર હતો. પત્‍ની પોતાના પતિ અને સાસરિયા સાથે રહેતી હતી ત્‍યારે ત્‍યાં તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેવી ફરિયાદ કરી હતી. વર્ષ ૨૦૧૬માં તેને પુત્ર સાથે ઘરમાંથી કાઢી નાખવામાં આવી. તે સમયે પતિએ મહિલાને કોઈ ચીજ નહોતી આપી અને પહેરેલા કપડે ઘર છોડવાની ફરજ પાડી હતી.

બે વર્ષ પછી મહિલાએ જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી અને પતિ પાસેથી મકાનનું ભાડું તથા બીજી રાહતો માગી. જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટની કોર્ટે મહિલાને ભાડા પેટે દર મહિને ૨૦૦૦ રૂપિયા અને ભરણપોષણ પેટે ૫૦૦૦ રૂપિયા ચૂકવવા પતિને આદેશ આપ્‍યો. જોકે, માઈનર બાળકને કોઈ રાહત મળી ન હતી કારણ કે ફેમિલી કોર્ટના આદેશ પ્રમાણે તેને દર મહિને ૩૦૦૦ રૂપિયા મળી રહ્યા હતા. જોકે, સગીર બાળકના શૈક્ષણિક ખર્ચ માટે વધારાની રકમ ચૂકવવા કોર્ટે આદેશ આપ્‍યો હતો. આ ઉપરાંત ડોમમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટના સેક્‍શન ૨૨ હેઠળ ૧૦,૦૦૦ રૂપિયા વળતર ચૂકવવા પણ આદેશ અપાયો હતો.

ત્‍યાર બાદ પતિએ ૨૦૨૨માં એડિશનલ સેશન્‍સ જજ સામે આ ચુકાદાને પડકાર્યો, પરંતુ કોર્ટે તેની વાત ફગાવી દીધી. તેથી પતિએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્‍યા. પતિએ દલીલ કરી કે તેની પત્‍ની એક જવેલરી શોપમાં નોકરી કરે છે અને પોતાની આવક ધરાવે છે. તેણે તેની પત્‍ની જવેલરી શોપમાં જોબ કરે છે તેવા ફોટા પણ દેખાડ્‍યા. તેણે કહ્યું કે પત્‍ની પોતાની મરજીથી જતી રહી છે અને પોતાની આવકમાંથી મકાન પણ ખરીદ્યું છે. તેથી તેને ભાડું ચૂકવવાનો હુકમ કરાયો તે અયોગ્‍ય છે. તેણે એમ પણ કહ્યું કે બાળકને પણ શૈક્ષણિક ખર્ચ ચૂકવવાની કોઈ જરૂર નથી.

જોકે, બંને પક્ષને સાંભળ્‍યા પછી હાઈકોર્ટે કહ્યું કે બાળકને શૈક્ષણિક ખર્ચ આપવાનો આદેશ આપીને ટ્રાયલ કોર્ટે ભૂલ કરી હતી તેવી દલીલ ચાલી શકે તેમ નથી. કારણ કે બાળકો જયારે સંબંધિત પાર્ટી સાથે જોડાયેલા ન હોય ત્‍યારે પણ તેઓ ભરણપોષણ મેળવવાને હકદાર છે. પત્‍ની પાસે પોતાનું ઘર છે અને તેમાં રહે છે તેવી દલીલ કરવામાં આવે છે. પરંતુ આ દલીલ સ્‍વીકારી શકાય નહીં. કોઈ મહિલા પાસે માત્ર પોતાના નામે પ્રોપર્ટી હોય તેવા કારણથી તેનો રહેઠાણ માટે ભાડું મેળવવાનો અધિકાર જતો રહેતો નથી.

(5:41 PM IST)