News of Thursday, 25th April 2024
બોર્ડર સીલ...૧૩૩ ચેક પોસ્ટ સીસીટીવી સજજ... બોડી વોર્ન કેમેરા સાથે જવાનો તૈનાત : શમશેરસિંધ
ગુજરાતમાં પાડોશી રાજયથી દારૂ ઘુસાડતા ૩૦ મુખ્ય બૂટલેગરોને ઓળખી કાઢી તેમને પકડી પાડવા ખાસ અભિયાન.. રાજયના લો એન્ડ ઓર્ડર વડા સાથે અકિલાની વાતચીત :ચૂંટણી આચારસંહિતા લાગુ થયા પછી અત્યાર સુધીમાં ૪ર કરોડનો દારૂ મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે : ચૂંટણી ભયમુકત બનાવવા ૩ લાખ લોકો સામે અટકાયતી પગલાં, ૧૪૦ સામે પાસા, તાલીમબદ્ધ ફોર્સ મેદાને, તમામ સંવેદનશીલ વિસ્તારોની એસ.પી. ડીસીપી દ્વારા રૂબરૂ મુલાકાત લેવાઇ

રાજકોટ, તા. રપઃ આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જેમને સુપ્રત કરી નોડલ ઓફિસર તરીકે નીમ્યા છે તેવા રાજ્યના કાર્યદક્ષ ડીજી લેવલના સિનિયર આઇપીએસ શમશેરસિંઘ દ્વારા ચૂંટણીઓ પારદર્શક, ભયમુકત થાય તે માટે કેવી-કેવી વ્યવસ્થા ગોઠવી છે તે માટે તેમનો સંપર્ક કરવામાં આવતા તમામ સ્તરે ફૂલપ્રૂફ વ્યવસ્થા અંગે અકિલા સાથે ચર્ચા કરી હતી જેના મુખ્ય અંશ આ મુજબ છે
સર્વ પ્રથમ તો પોલીસ તંત્ર ચૂંટણીઓ અને તેની વ્યવસ્થામાં ખૂબ વ્યસ્ત હોવાથી આવી પરિસ્થિતિનો કોઈ લાભ ન ઉઠાવે તે માટે પાડોશી રાજ્યની બોર્ડરથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ રસ્તે બોર્ડર સીલ કરી છે, ૧૩૩ ચેક પોસ્ટ ઊભી કરી બોડી વોર્ન કેમેરા સાથે જવાનો અને સીસીટીવી કેમેરાઓ લગાડી કિલા મજબૂત કરવામાં આવ્યા છે.
રાજયના લો એન્ડ ઓર્ડર વડા શમશેરસિંઘે જણાવેલ કે, ચૂંટણી આચારસંહિતા અમલી બની ત્યારથી અત્યાર સુધીમાં ૪૨ કરોડનો ટોટલ દારૂ મુદ્દામાલ સાથે પકડ્યો છે, ગુજરાતમાં દારૂબંધી છે, જયારે પડોશના રાજ્યમાં દારૂ બંધી નથી આવો પરિસ્થિત વચ્ચે જે ૩૦ જેટલા મુખ્ય બુટલેગર કે જે દારૂનું સ્મગલિંગ (હેરફેર) કરે છે તેવા બૂટલેગરોને ઓળખી કાઢી આ પૈકીના તમામ પર ગુજરાત પોલીસ દ્વારા તેમના પગેરા દબાવી ,જે જે મળે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરી જેલ ભેગા કરવાનું અભિયાન પણ પુરજોશથી ચાલી રહ્યું છે. ૩ લાખ જેટલા લોકો સામે અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે, ૧૪ં જેટલા લોકો સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
તમાંમ સંવેદનશીલ વિસ્તારોમાં એસપી અને ડીસીપી દરજ્જાના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લેવા સાથે પરિસ્થિતિથી વાકેફ થયેલ છે, આ બાબતની પરિસ્થિત અંગે લેટેસ્ટ અપડેટ મેળવી તે મુજબ કયા કેટલો પોલીસ , એસ.આર. પી કે હોમ ગાર્ડ મૂકવા તે નક્કી કરવામાં આવે છે, અને જરૂર મુજબ પોલીસ ફોર્સ પરિસ્થિતિ મુજબ મૂકવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ, હોમ ગાર્ડ હોય કે પછી એસ. આર. પી આ તમામને ચૂંટણી બંદોબસ્ત અંગેની જરૂરી તાલીમ આપી સજ્જ કરી મેદાને ઉતાર્યા છે, તેમ પણ ડીજીપી લેવલનાં ખૂબ અનુભવી એવા સિનિયર આઇપીએસ શમશેરસિંઘ દ્વારા અકિલા સાથેની વાતચીત અંતે જણાવ્યું હતું.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
