<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

અમદાવાદથી સાળંગપુર દરરોજ હેલિકોપ્ટર રાઇડ શરૃ કરાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭: પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં બિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને આવતા ભકતો માટે એક પછી એક હાઇટેક સુવિધાનો ઉમેરો થઇ રહ્યો છે.  આગામી લોકસભા ચૂંટણી પછી આખા ગુજરાતના યાત્રાધામમાં પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર માટે અમદાવાદથી ડેઈલી હેલિકોપ્ટર રાઇડ શરૃ કરાશે. આ માટે મંદિર પરિસરથી થોડે દૂર બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે.સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, 'થોડાક જ દિવસમાં અમદાવાદ-સાળંગપુરની ડેઈલી હેલિકોપ્ટરની રાઇડ શરૃ કરવામાં આવશે. આ માટે અત્યારે બની રહેલાં ગુજરાતના સૌથી મોટા ૧ હજારથી વધુ રૃમવાળા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન નજીક બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે.'

અમદાવાદ-સાળંગપુર ડેઇલી હેલિકોપ્ટર રાઇડ માટે સંતો દ્વારા નક્કી કરાયેલા ચોપરમાં એકસાથે પ ભકતો બેસી શકશે. અમદાવાદના કાંકરિયાથી મંદિર દ્વારા નક્કી કરાયેલાં સમય મુજબ હેલિકોપ્ટર ટેકઓફ કરશે. અમદાવાદથી સાળંગપુર આવતાં માત્ર ૪૫ મિનિટ જેટલો જ સમય લાગશે. આ હેલિકોપ્ટરની ટુ વે રાઈડની રહેશે. આ રાઇડ માટે ભકતો ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકશે. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ આ સેવા શરૃ થનાર છે.

(1:51 PM IST)