<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

સુરતના ભાજપ ઉમેદવારની જીતને પડકારતી પીઆઇએલ હાઇકોર્ટે ફગાવી : કોંગ્રેસને આંચકો

 

અમદાવાદ, તા. ૧: ગુજરાત કોંગ્રેસને હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્‍યો છે. સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી પીઆઈએલ નકારવામાં આવી છે. અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટ દ્વારા ઈન્‍કાર કરવામાં આવ્‍યો છે. સાથે જ આ વિવાદ માટે ઈલેક્‍શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરાઈ છે.

અરજીમાં મતદારો મતદાનની વંચિત રખાયાનો મુદ્દો ઉઠાવાયો હતો. મહત્‍વનું છે કે, સુરતથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મિસમેચ થતા અને ટેકેદારો રહસ્‍યમય રીતે ગાયબ થતા ફોર્મ રદ થયું હતું. જે બાદ અન્‍ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જે બાદ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુરતના અરજદાર ભાવેશ પટેલે જાહેરહિતની અરજીમાં દાવો કર્યો હતો કે સુરતમાં મતદારોને નકારાત્‍મક મતનો વિકલ્‍પ અપાયો નથી. મતદારોને નોટાના અધિકારોથી વંચિત રખાયા છે. આ કારણે અરજદારે ભાજપના ઉમેદવારને બિન હરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવા માંગ કરી હતી.

(4:21 PM IST)