News of Monday, 6th May 2024
અમદાવાદની અનેક સ્કુલોને બોંબથી ફુંકી મારવા ધમકી
દિલ્હી બાદ હવે ગુજરાતના આર્થિક પાટનગરની શાળાઓને ધમકી મળતા ખળભળાટ : ૭ થી ૮ શાળાઓને ધમકીભર્યા ઇ-મેલ મળ્યા : પોલીસ દ્વારા સઘન તપાસ : ઇ-મેલ ભારત બહારથી આવ્યો છે

અમદાવાદ તા. ૬ : તાજેતરમાં દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે આ ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની સાતેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યાં છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે.
દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઇ-મેઇલ આવ્યા હતા. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ થયું છે. દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી.ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિતની સ્કૂલોને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો છે.
અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ONGC કેન્દ્રીય વિધાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ સ્કૂલોમાં પહોંચી હતી. હાલ ક્યાંયથી કોઇ વાંધાજનક વસ્તુઓ મળી નથી. જેમાં શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રાલયે જણાવ્યુ છે કે બોમ્બ મળ્યાની ધમકી અફવા છે. જેમાં SPGની ટીમ નિશાન સ્કૂલમાં પહોંચી છે.આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયાણે જણાવ્યું હતું કે, ૭ જેટલી સ્કૂલને ઇ-મેઈલથી ધમકી મળી છે. હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. આ ધમકી ભર્યો ઇ-મેઈલ ફેક ઇ-મેઈલથી આવ્યો છે.
અમદાવાદની ઓનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા, એશિયા ઈંગ્લિશ સ્કૂલ વષાાપુર, અમૃતા વિદ્યાલય ઘાટલોડીયા, કેલોરેક્ષ સ્કુલ ઘાટલોડીયા, આર્મી કેન્ટોનમેન્ટ તથા અન્ય બે સ્કૂલો અમદાવાદ ગ્રામ્યની છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
