<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

વલસાડનું ગોવાડા ગામ અડધુ ગુજરાતમાં, અડધુ મહારાષ્‍ટ્રમાં: એક જ ગામમાં લાગુ પડે છે બે લોકસભા બેઠક

વલસાડ અને પાલધર સીટ માટે મતદાન કરે છે ગ્રામજનો

અમદાવાદઃ ગુજરાતમાં કાલે ૭ મેના રોજ મતદાન થવાનું છે, એવામાં સામાન્‍ય રીતે લગભગ લોકો એ મૂંઝવણમાં હોય છે કે કયા નેતા અને કઈ પાર્ટીને વોટ આપવો પણ થોડા એવા ગામો છે જયાંના લોકો એ મૂંઝવણમાં હોય છે કે કયા રાજયમાં વોટ આપવો..?

હવે એક તરફ ચૂંટણી પંચ કાયદાઓના દાયરામાં રહીને મતદાનની ટકાવારી વધારવા તમામ સંભવિત પ્રયાસ કરે છે તો બીજી તરફ ચૂંટણી પંચ૧૪ ગામોના મતદારોની બે વાર મતદાન કરવાની ‘ગેરકાનૂની પ્રથા' રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર અને તેલંગાણાની સરહદ પર આવેલ આ ૧૪ ગામોમાં લગભગ ૪,૦૦૦ મતદારો છે અને તેઓ બે રાજયમાં વોટ આપી શકે છે અને આવું દાયકાઓ જૂના સરહદ વિવાદને કારણે બન્‍યું છે.

આ ગામોનો પ્રાદેશિક વિવાદ ૧૯૫૬નો છે, જયારે આંધ્રપ્રદેશ રાજયની રચના કરવામાં આવી હતી. આ ૧૪ ગામોમાં રહેતાં દરેક લોકો પાસે બે-બે વોટર આઈડી, રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને અન્‍ય દસ્‍તાવેજો છે જેના કારણે તેઓ બંને રાજયોની યોજનાઓનો લાભ લઈ શકે છે.

જો કે એક વ્‍યક્‍તિ બે રાજયમાં વોટ આપે આવું પોસિબલ નથી અને હાલ ત્‍યાંનાં લોકો બે વખત વોટ ન આપી શકે એ માટે વહીવટતંત્રએ એમની આંગળીની ઉપર નહીં પરંતુ આખી આંગળી પર સહી લગાવવાની યોજના બનાવી છે. તંત્રનું કહેવું છે કે માત્ર બે મત જ નહીં, બે જગ્‍યાના વોટર આઈડી કાર્ડ રાખવા પણ ગેરકાયદેસર છે.

આવું જ અજુગતું ગામ આપણાં ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ છે જયાં એક જ ગામના એક જ ફળિયામાં સાથે રહેતા લોકો અલગ અલગ રાજયમાં મતદાન કરે છે. આ ગામ છે કે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું ગોવાડા ગામ, જે અડધું ગુજરાતમાં છે અને અડધું મહારાષ્ટ્રમાં છે.

ગોવાડા ગામમાં રહેતાં કેટલાક લોકો ગુજરાતમાં વલસાડ બેઠક માટે મતદાન કરે છે તો કેટલાક લોકો મહારાષ્ટ્રના પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરે છે. જો કે અહીં રહેતાં લોકો પાસે બે વોટર આઈડી નથી પણ પાસે પાસે રહેતાં લોકો અલગ અલગ રાજયની લોકસભા બેઠક માટે વોટ કરે છે.

(5:40 PM IST)