<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

કેનેડા સ્‍થાયી થયેલા પુત્રનું 40 લાખનું દેવુ ચુકવ્‍યુ છતાં સંભાળ ન રાખતા સુરતમાં સાવરકુંડલાના વતની વૃદ્ધ માતા-પિતાનો આપઘાત

4 પાનાની સ્‍યુસાઇડ નોટ લખીઃ પુત્રવધુએ ગેરવર્તન કર્યુઃ ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ

સુરત: આજકાલ દરેક બીજા યુવાને વિદેશ જવાનું ઘેલુ લાગ્યું છે. કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રિલા, જર્મની જવા માટે ગુજરાતી યુવા તલપાપડ બન્યા છે. માતાપિતા પણ દેવું કરીને સંતાનોને વિદેશ મોકલે છે. ત્યારે વિદેશ મોકલતા આવા કિસ્સામાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના એક દીકરાએ કેનેડા સેટલ્ડ થઈ ગયા બાદ માતાપિતા સાથે સંબંધ તડી નાંખતા હતાશ થયેલા માતાપિતાએ આત્મહત્યા કરીને મોત વ્હાલું કર્યું છે.

આ ઘટના દરેક એ માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ લોન લઈને પણ સંતાનોને વિદેશ ભણવા મોકલે છે. પરંતું અહીં તો ઉલટું થયું. દીકરાએ કેનેડા જઈને માતાપિતા સાથે સંબંધ જ તોડી નાંખ્યા. મૂળ સાવરકુંડલાના વતની અને સરથાણા મીરા એવન્યુ ખાતે રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડીયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેને એક સાથે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

આ ઘટના બે દિવસ પહેલાની છે. બન્યું એમ હતું કે, ચુનીભાઈના નાના પુત્ર પિયુષને 2 વર્ષ પહેલા ફાયનાન્સના ધંધામાં નુકસાન થતા 40 લાખનું દેવુ થયુ હતું. ચુનીભાઈએે સંબંધીઓ પાસેથી નાણા લાવીને પિયુષનું દેવું ચૂકવ્યું હતું. બાદમાં પિયુષ કેનેડા જઇ ત્યાંજ સ્થાઈ ગયો. જોકે પિતાએ લોકો પાસેથી રૂપિયા લાવીને દેવુ ચૂકવ્યા છતા પિયુષ કેનેડાથી કોઈ મદદ કરતો ન હતો તેમજ તેમને પુછતો પણ ન હતો. પુત્ર માટે દેવું કરી રૂપિયા લાવ્યા હતા અને પુત્રએ જ મોઢું ફેરવી લેતા વૃદ્ધ દંપતીએ માટે આ આઘાત સહન કરી શકાય તેમ ન હતો.

ચુનીભાઇ ગેડિયાએ પોતાના પુત્ર પિયુષને દેવું ચૂકવ્યુ હતું અને તેને કેનેડા મોકલ્યો હતો. આ તમામમાં ૩૮ લાખનો ખર્ચો થયો હતો. પરંતું કેનેડા જઈને પુત્ર એ મોઢું ફેરવી લીધું દેવું પણ ચૂક્યું નહીં. એટલું જ નહીં પિતા સાથેના તમામ સંબંધો પણ કાપી નાંખ્યા હતા. આ દરમિયાનમાં પુત્ર એક વખત સુરત આવ્યો તો પણ પિતાને મળવા આવ્યો ન હતો. આખરે પિતાને લાગી આવતા આપધાત કરી લીધો હતો. સમગ્ર બાબતે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે.

દીકરા માટે હચમચાવી દે તેવી સ્યૂસાઈડ નોટ છોડી

ચુનીભાઈએ આપઘાત પહેલા ચાર પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં કેનેડા સ્થાઈ થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચુકવતા અને હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્ર વધુનો આભાર વ્યકત કર્યો હતો. આ સાથે તેમના આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી. આ સાથે અન્ય પુત્રવધુ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને તે બાબતે મનમાં લાગી આવ્યુ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(4:30 PM IST)