તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
ગાંધીનગર નજીક વાસણ ગામે બાળકોને રમવા જેવી બાબતે થયેલ તકરારમાં યુવાન પર બે શખ્સોએ હુમલો કરતા ગુનો દાખલ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામમાં રસ્તામાં બાળકોના રમવા બાબતે થયેલી તકરારમાં યુવાન ઉપર બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા ગાભુજી શંકરજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ ઘરે હાજર હતા અને તે સમયે તેમના પત્ની દુકાને વસ્તુ લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બાળકો રસ્તામાં રમી રહ્યા હતા. જેથી તેમને સાઈડમાં રમવા માટે કહ્યું હતું અને રસ્તો ખુલ્લો કરવા જણાવ્યું હતું. જોકે આ બાળકોનો ઉપરાણું લઈને દિકાજી દેવાજી ઠાકોર તથા ભાવેશ દિકાજી ઠાકોર દ્વારા તેમની પત્નીને કહેવાયું હતું કે, બાળકો તો અહીં જ રમશે તેમ કહીને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. ત્યારબાદ તેમની પત્ની ઘરે પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે વાત કરતા ગાભુજી મોહલ્લા પાસે ગયા હતા અને જ્યાં દિકાજી ઠાકોરને કહ્યું હતું કે મારી પત્ની સાથે કેમ બોલાચાલી કરો છો. જેથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા ત્યારબાદ ઝપાઝપી કરીને ગળદા પાટુનો માર પણ માર્યો હતો તો આ દરમિયાન ભાવેશ ઠાકોર આવી જતા તેણે હાથમાંથી છૂટી ઈંટ મારતા ગાભુજીને વાગી હતી અને જેના પગલે તેમના માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
