<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

સાબરમતી જેલના કેદીઓનું ધો. ૧૨નું પરિણામ ૧૦૦ ટકા જાહેર

બોર્ડ ચેરમેન બંછાનિધી પાનીનો સહયોગ સરાહનીય : ડીજી લેવલના મુખ્‍ય જેલ વડા ડો. કે.એલ.એન.રાવ, ડીન ડો. ઇન્‍દુ રાવની જહેમત રંગ લાવી : જેલ આઇજી અશ્વિન ચૌહાણના માર્ગદર્શન અને જેલ સુપ્રિ. શ્વેતા શ્રીમાળીના નેતૃત્‍વ હેઠળ પ્રદીપભાઇ પંચાલ સહિતની ટીમની કાબીલે દાદ કામગીરી : ચિરાગ રાણા નામના અભ્‍યાસ પ્રેમી કેદીએ ડિગ્રી, ડિપ્‍લોમાં, સર્ટીફિકેટ કોર્સમાં વિક્રમ સર્જયો : ૫૦ જેટલા વિવિધ કોર્ષની ડિગ્રી હાંસલ કરી

રાજકોટ તા. ૧૦ :  ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તેવા ધોરણ ૧૨નું પરિણામ કમિશનર ટેકનિકલ એજયુકેશન અને હાયર એજયુકેશન બોર્ડના ચેરમેન બંછાનિધિ પાની જેવા ખૂબ સક્રિય આઇએએસ અધિકારીના પરિણામ ખૂબ ઝડપથી અને વ્‍યવસ્‍થિત રીતે આવેલ છે, ગુજરાતની વાત કરીએ તો ધોરણ ૧૨નું સાયન્‍સનું પરિણામ ૮૨.૪૫ ટકા અને સામાન્‍ય પ્રવાહ કોમર્સનું પરિણામ ૯૧.૯૩ ટકા આવેલ છે.

અમદાવાદની સાબરમતી જેલમાં નવજીવન ટ્રસ્‍ટનાં સહયોગથી સંખ્‍યાબંધ અભ્‍યાસક્રમો અને ડિગ્રી, ડિપ્‍લોમા અને સર્ટીફીકેટ કોર્ષ  ચાલે છે, આ માટે ગુજરાતની જેલોના વડા ડો.કે. એલ એન રાવ તથા તેમના પત્‍ની એવા જાણીતા શિક્ષણવિદ્‌ દિન દયાલ ઉપાધ્‍યાય યુનિ.નાં ડીન ડો. ઇન્‍દુ રાવ પણ ઊંડો રસ દાખવી છે, આઇએએસ બંછાનિધિ પાની સાથે પણ ઉકત દંપત્તિ ચર્ચા કરતા હોય છે, હવે મૂળ વાત સાબરમતી જેલમાં રહેલા ૧૮ કેદીઓ દ્વારા ધોરણ ૧૨ની પરીક્ષા આપવામાં આવેલ અને હર્ષની વાત એ છે કે જેલની ઊંચી અને સાઉન્‍ડ પ્રૂફ દિવાલો બોલી ઉઠી છે, અહીંના તમામ અર્થાત ૧૮ કેદીઓ પાસ થવા સાથે ૧૦૦ ટકા પરિણામ આવ્‍યું છે.

જેલ આઇજી અશ્વિન ચોહાણનાં માર્ગદર્શન હેઠળ સાબરમતી જેલ સુપ્રિ. શ્વેતા શ્રીમાળી અને પ્રદીપ પંચાલના નેતૃત્‍વ હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત થયેલ છે, જેલમાં પણ હર્ષનો માહોલ છે પરંતુ અહીંની વાત અહી રહે પણ આ ખુશીના સમાચાર દીવાલોને પણ કાન હોય છે તે કહેવત મુજબ દીવાલ બહાર આ સમાચાર આવતા જેલ તંત્ર ખુશ બની એક બીજાનાં મોઢા મીઠા કરાવી રહી છે. જેલના એજયુકેશનનની વાત નીકળી છે તેવા સમયે માનવામાં નહિ આવે પણ ચિરાગ કિશોર રાણાએ જેલ જીવન દરમિયાન ડિગ્રી, ડિપ્‍લોમા અને સર્ટિફિકેટ કોર્ષ મળી ૫૦ થી વધુ નાની મોટો ડિગ્રી મેળવી વિક્રમ સર્જયો છે. ડો. કે એલ.એન. રાવનાં ૫ વર્ષથી વધુના કાર્યકાળમાં તેઓ દ્વારા સતત કેદીઓના કલ્‍યાણ, સરકારી યોજના અંગે માર્ગદર્શન વિગેરે બાબતે સક્રિય રહેલ છે.

(3:09 PM IST)