<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

અમદાવાદમાં પીએમ આવાસ યોજના અંતર્ગત મકાન મેળવવા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇઃ હવે 17મી સુધી ફોર્મ ભરી શકાશે

સર્વર ડાઉન રહેતા શહેરીજનોના હિતમાં કોર્પોરેશન તંત્રનો નિર્ણય

અમદાવાદ: શું તમે પણ સરકારી સહાયથી પોતાના ઘરનું ઘર ખરીદવા માંગો છો? ફોર્મ ભરવાનું બાકી છે? તો હવે ઉતાવળ કરજો, ફોર્મ ભરવાની તારીખો તમારા માટે સરકાર દ્વારા લંબાવાઈ છે. જે લોકો કોઈ કારણસર ફોર્મ નથી ભરી શક્યા એવા લોકોને પણ સરકારી આવાસનો લાભ મળી શકે તે આશયથી ગરીબ આવાસ માટેના ફોર્મ ભરવાની તારીખો લંબાવાઈ છે. જાણો કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે.

કોને મળે છે મકાન?

પીએમ આવાસ યોજના હેઠળ સમાજના ગરીબ અને અત્યંત મધ્યમ વર્ગીય પરિવારો માટે સરકાર બનાવી રહી છે ઘર. તમે પણ આ યોજનાનું ફોર્મ ભરીને તમારા સપનાનું ઘર મેળવી શકો છો. જોકે, તેમાં ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમાનુસાર ડ્રો કરવામાં આવે છે. જેનો નંબર લાગે એને આવાસ એલોટ કરવામાં આવે છે. તેના માટે તમારે આવકનું પ્રમાણ પત્ર આપવાનું હોય છે.

જાણો ગરીબ આવાસ માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત ચાર દિવસ લંબાવવામાં આવી છે. આવાસ મેળવવા માટે 17 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અધિકારીએ જણાવ્યું કે, મ્યુનિ. વેબસાઈટના મેન્ટેનન્સનું કા નુકા કામ ચાલતું હોવાથી 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે હતી.

અમદાવાદના કયા-કયા વિસ્તારમાં બનશે ગરીબ આવાસ?

નરોડા મુઠિયામાં 400, નરોડા- હંસપુરામાં 255 અને ગોતા ખાતે 400 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ માટે 15 માર્ચથી ઓનલાઈન અરજી મગાવાઈ હતી. અત્યાર સુધીમાં કુલ 73,800થી વધુ અરજી આવી છે. ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટથી આવાસોનું બાંધકામ કરાઈ રહ્યું છે. આવાસોમાં સોલાર પેનલ હશે. લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઇઝડ ડ્રોથી કરાશે.

(5:16 PM IST)