<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

વલસાડમાં મિનિ વાવાઝોડું:અનેક સ્થળોએ કરા સાથે વરસાદ : કેટલાય વૃક્ષો ધરાસાઈ: અનેક જગ્યાએ વીજપોલ જમીનદોસ્ત

કપરાડાના હુડા ગામ પાસે કરા સાથે વરસાદ ખાબક્યો: ભારે પવનને કારણે ગિરનારા ગામમાં આશ્રમશાળાના પતરા અને શેડ ઉડ્યાં: અંબાજીના અનેક વિસ્તારોમાં હળવા વરસાદ

વલસાડ: હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વલસાડમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખબક્યો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

  બપોરે વલસાડના કપરાડાના હુડા ગામ પાસે કરા સાથે વરસાદ ખાબક્યો છે. અહીં તેજ પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો. ભારે પવનને કારણે ગિરનારા ગામમાં આશ્રમશાળાના પતરા અને શેડ ઉડ્યાં હતા. તેજ પવનથી આશ્રમશાળાના સામાનને પણ નુકસાન પહોંચ્યુ હતુ.

   વલસાડમાં મિનિ વાવાઝોડા જેવો માહોલ સર્જાતા ઘણી જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થયા હતા. અનેક જગ્યાએ વીજ થાંભલાઓ પણ જમીનદોસ્ત થઇ ગયા હતા. વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

   વલસાડ ઉપરાંત અંબાજી પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જે બાદ અંબાજીના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત થઇ છે. ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી મહોલ છવાતા આંશિક રહાત મળી છે.  

હવામાન વિભાગે આપેલી માહિતીમાં આજે 13મી તારીખ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે આ સાથે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

  હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 14મી તારીખે એટલે મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ જિલ્લાઓના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી આપનામાં આવી છે

(8:43 PM IST)