News of Tuesday, 14th May 2024
ગુજરાતનાં ૬૦ તાલુકામાં કરા સાથે વરસાદ તૂટી પડયો
વૈશાખ મહિનામાં અષાઢી માહોલથી વિજળી પડતા ૨ના મોત : ૨૪૯ ગામમાં વિજ પુરવઠો ખોરવાતા પુર્વવત : કરવા કામગીરી

રાજકોટ, તા.૧૪: હવામાન વિભાગ દ્વારા ગુજરાત નજીક ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની આગાહી કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનની ઉપર બે, મધ્ય -દેશ ઉપર એક અને અરબ સાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આગામી ૧૫મી મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે સાંજથી જ રાજ્યના વિવિધ ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે સતત બીજા દિવસે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે બપોરે ૨ વાગ્યા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જે બાદ રાતે ૮ વાગ્યા સુધી રાજ્યના ૬૦ તાલુકામાં તેજ પવન અને કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જે પૈકી સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે નોંધાયો હતો.
આ સિવાય અમરેલી તાલુકા, નર્મદા જિલ્લાના તિકલવાડા તાલુકામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં જોઈએ તો, મહેસાણાના બેચરાજીમાં ૨૫ મિમી, પાટણના રાધનપુરમાં ૨૩ મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં ૨૧ મિમી,નવસારીના વાંસદા અને બોટાદ તાલુકામાં ૨૦ મિમી વરસાદ નોંધાયો છે.
આજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા હાથ ધરવા માટે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના મુખ્ય કાર્યકારી સચિવ સુનયના તોમરને આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે તેમણે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના વિસ્તારમાં પડેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિની માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.
બીજી તરફ આ અંગે વિગતો આપતા રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, આજે રાજ્યના કુલ ૪૧ તાલુકામાં ૨ મિમીથી લઈને ૩૮ મિમી જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે પવનની ગતિ પણ વધારે જોવા મળી હતી. જ્યારે વીજળી પડવાથી રાજ્યમાં બે લોકોના મોત થયા છે. જ્યારે તોફાની પવન ફૂંકાવાથી રાજ્યના ૨૪૯ ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો, જેને તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે, તેમજ કયાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય, તેવી વ્યવ્સ્થાઓ સુનિ?તિ કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સૂચના આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતના અમદાવાદ સહિત ૨૨ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક ભારે રહી શકે છે. જેમાં અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
