<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

માવઠાના પગલે કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી :બોક્સના ભાવ 300 રૂપિયા સુધી તૂટ્યા

છેલ્લા 2 દિવસથી માર્કેટમાં વિપુલ પ્રમાણમાં કેસર આવતા બોક્ષ 200 થી 300 જેટલા ઘટયા

અમદાવાદ :ચાલુ વર્ષે વાતાવરણમાં સતત ફેરફારને કારણે ગીર પંથકની પંથકની કેસર  કેરીના ફ્લાવરિંગ સ્ટેજમાં જ આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ અટકી ગયું હતું. જે બાદ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કુપણો ફૂટવા લગતા અને સાથોસાથ કેરી વધુ પ્રમાણમાં ખરી રહી હતી જેને લઇ ગત વર્ષની સરખામણીએ આ વખતે આંબાઓમાં કેસર કેરી 50 ટકા જ આવી છે.

આવા સમયે હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા.13 થી 16 મે દરમિયાન કમોસમી વરસાદ વરસવાની આગાહી આપવાની સાથે જ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી. જેથી ખેડૂતોએ કેરીના બગીચાઓમાં તૈયાર અને આગામી દિવસોમાં તૈયાર થનાર કાચી કેરીના ફળોને ઉતારવાની પુરજોશમાં શરૂઆત કરી હતી. જેથી માર્કેટમાં વિપુલ પ્રમાણ માં કેરી આવતા બજાર ભાવો પણ તૂટતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જો આ કમોસમી વરસાદ આવશે તો ગીરના આંબાના બગીચાઓમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થશે તેવું પણ ખેડૂતો અને ઇજારદારો અને કૃષિ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

આ વખતે અંદાજિત 50 ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. અને કાચી કેરી આંબા પરથી ઉતારવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે હજી તો કેરીની સીઝન શરૂ થઈ છે અને આ કેરીની સીઝન હજી એક મહિનો સુધી ચાલતી હોય છે પરંતુ આ વખતે ખેડૂત દ્વારા પોતાના આંબાના ઝાડ પરથી કાચી કેરી ઉતારવાનું શરૂ કરી દીધું છે. ત્યારે છેલ્લા 2 દિવસ માં માર્કેટમાં વિપુલ પ્રમાણમાં કેસર આવતા બોક્ષ 200 થી 300 જેટલા ભાવો પણ તૂટ્યા છે. અને જો આજ સ્થિતિ રહી તો ટૂંક સમયમાં જ કેરી પૂર્ણ થઈ જશે તેવું પણ નિષ્ણાતો જણાવી રહ્યાં છે.

સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાંથી કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમના કારણે માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્ય અને વિદેશમાં પણ કેસર કેરી એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે. કેસર કેરી ફળનો રાજા માનવામાં આવે છે અને જેના કારણે સૌ લોકો કેસર કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે આ વખતે પહેલાથી જ કેરી ઝાડ પર ઓછી આવી છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહીના કારણે કાચી કેરી ખેડૂતો ઉતારવા માટે મજબૂર બન્યા છે, ત્યારે આવી જ સ્થિતિ રહેશે તો આવતા 15 દિવસમાં કેરીની સિઝન પૂર્ણ થઇ જશે અને અમુક લોકોને ગીર ની કેસર નો સ્વાદ પણ ચાખવા નહીં મળે


 

(8:33 PM IST)