News of Tuesday, 14th May 2024
નર્મદા : સોલિયાના 4.5 ફુટ ઊંચાઈના 73 વર્ષીય વિકલાંગ વૃધ્ધે....
22 સેકન્ડમાં 100 મીટરની દોડ પુર્ણ કરી ખેલ મહાકુંભ માં પ્રથમ સ્થાન મેળવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આજે યુવાનો પોતાનો સમય મોબાઈલ અને સોશિયલ મીડિયા માં પસાર કરે છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગામનાં 4.5 ફુટ ઊંચાઈના 73 વર્ષીય વિકલાંગ વૃધ્ધે યુવાનોને પણ શરમાવે એવું કરી બતાવી દેડીયાપાડા વિસ્તારનું નામ રોશન કર્યું છે.આ વૃધ્ધે ફકત 22 સેકન્ડમાં જ 100 મીટરની દોડ પુર્ણ કરી સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગામના 73 વર્ષીય માત્ર 4.5 ફુટની ઊંચાઈ ધરાવતા મણિલાલ વસાવા પોતે વિકલાંગ હોવા છતાં ખેલ મહાકુંભમાં ભાગ લેવાનો વિચાર કર્યો.જો કે તેઓ વિકલાંગ હોવાથી એમના સંતાનોએ એમને ભાગ ન લેવાની સલાહ આપી પણ માને એ બીજા, અને રાજપીપળા માં યોજાયેલ નર્મદા જિલ્લા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લઈ મણિલાલ વસાવા એ માત્ર 22 સેકન્ડમાં જ 100 મીટરની દોડ પુર્ણ કરી પ્રથમ સ્થાન મેળવી સૌને ચોંકાવી દીધાં હતાં.એ સાથે એમણે ચક્ર ફેંક સ્પર્ધામાં પણ જિલ્લા કક્ષાએ ત્રીજું સ્થાન હાંસિલ કર્યું છે.હવે તેઓ રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા ખેડા ખાતે પહોંચી ગયા છે.
મણિલાલ વસાવાની ઊંચાઈ માત્ર 4.5 ફૂટની જ છે પણ પણ તેમનો જુસ્સો આસમાને છે અને તરવરાટ યુવા ખેલાડી જેટલો જ છે.મણિલાલ વસાવા જણાવે છે કે જે યુવાનો મોબાઈલ જોવામાં સમય પસાર કરે છે એમનું કશું થવાનું નથી.હુ 100 મીટરની દોડમાં રાજ્ય કક્ષાએ પણ પ્રથમ સ્થાન હાંસલ કરીશ એવો મને વિશ્વાસ છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
