<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે

આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ : બનાસકાંઠા-ભાવનગર-કચ્છ-પંચમહાલ અને વલસાડ-નર્મદા તથા નવસારી જિલ્લાઓમાં સુપર ન્યુમરી આસિસ્‍ટન્‍ટ કલેક્ટર તરીકે ફિલ્ડ તાલીમ માટે ફાળવણી : સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકહૃદયમાં સ્થાન મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો અનુરોધ

રાજકોટ તા.૨૦ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.

આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે.

આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્‍ટન્‍ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી  મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. 

આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીશ્રીના સચિવ અવંતિકા સિંઘ, સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

(2:47 PM IST)