તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
જન્મના પ્રમાણ પત્ર માટેનો બદલાઇ ગયો છે નિયમ
બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં : નકલ પણ ફ્રીમાં
હવે નહીં ચલાવી લેવામાં આવે પહેલાં જેવી લાલિયાવાડી : બર્થ સર્ટિફિકેટની બબાલ વધતા લેવામાં આવ્યો મોટો નિર્ણય

અમદાવાદ, તા.૨૦: ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો નામમાં સુધારણાની છે. રાજય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી. આરોગ્ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.
આધારકાર્ડ પ્રમાણે સુધારા જન્મ પ્રમાણપત્ર સિવાય કેટલાક કિસ્સામાં એવી પણ અરજીઓ આવે છે કે, મૂળ નામ અલગ હોય અને તેમને જન્મ પ્રમાણપત્ર અલગ નવા નામથી લેવાની માગ કરી હોય. આવા કિસ્સામાં મૂળ નામ કરતા તદન અલગ નામ જેમ કે, રમેશભાઇનું કિશોરભાઇ કરી શકાય નહીં પણ રમેશભાઈનું રમેશલાલ કરી શકાય છે, એટલે કે સંપૂર્ણ ભાવાર્થ બદલાતો હોય તેવું નવું નામ રજિસ્ટરમાં દાખલ કરી શકાય નહીં. પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે તેમણે એવી પણ સૂચના આપી છે કે, આધારકાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મનું પ્રમાણપત્ર આપતી વખતે કોઈ ફી પણ વસૂવાની રહેશે નહીં એટલે કે નવું બર્થ સર્ટિ ફ્રીમાં આપવાનું રહેશે. આરોગ્ય કમિશનરે રજિસ્ટાર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને તાકીદ કરી છે.
જાણો નિયમમાં શું કરાયો ફેરફારઃ
અત્યારસુધી જન્મના દાખલામાં ‘રમેશ'ના બદલે ‘મહેશ' નામ થઈ શકતું હતું. પણ હવેથી નિયમો બદલાઈ ગયા છે. અર્થાત્ મૂળ નામનો ભાવાર્થ બદલી શકાશે નહીં માત્ર મૂળ નામની પાછળ ‘ભાઈ'ના બદલે ‘લાલ' કે ‘કુમાર' માં ફેરફાર કરી શકાશે. સુધારો સૂચવતો આ પરિપત્ર વર્ષો પહેલાં કરાઈ દેવાયો હતો. જન્મપ્રમરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ મુજબ કોઈ પણ વ્યકિત પોતાનું નામ બદલી અને નવું નામ રજિસ્ટરમાં દાખલ કરવાની અરજી કરે તો તે સ્વીકારી શકાય નહીં. નામનો ભાવાર્થ બદલાતો ન હોય તો જ સુધારો થઈ શકે. આવો નિયમ હતો જ પણ વર્ષ ૨૦૦૯ના ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારે તેમાં સુધારો કરતો પરિપત્ર કર્યો.
‘પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અનુસાર જન્મ નોંધણી સમયે બાળકનું નામ જન્મ નોંધમાં હોય તેના બદલે શાળા પ્રવેશ વખતે જુદુ હોય અને ત્યારપછીના તમામ સરકારી અથવા અધિકળત રેકોર્ડમાં બાળક કે વ્યકિતનું નામ તે જ દર્શાવેલ હોય તો આવા સંજોગોમાં સોંગદનામું અને જે તે પુરાવા તપાસીને તેમાં સુધારો કરી દેવો.
આ પરિપત્ર કર્યા બાદ અરજદારો દ્વારા નામ સુધારણા માટે જે તે રજિસ્ટ્રાર કચેરીએ જરૂરી પુરાવા સાથે પહોંચી જતા હતા પણ તેને લઈને અનેક વિવાદો થતા હતા. જન્મ વખતે બાળકનું નામ કંઈક અલગ રાખે અને પછી સ્કૂલમાં બાળકને મૂકે ત્યારે મનસૂફી પ્રમાણે નામ બદલી નાખે. જ્યારે પાસપોર્ટ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારે સુધારા કરાતા હતા પણ ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ફરી એક વખત કાયદામાં જરૂરી સુધારો સૂચવતો પરિપત્ર કર્યો અને મૂળ નામમાં સુધારો નહીં કરવા રાજ્યના તમામ જન્મપ્રમરણ નોંધણી રજિસ્ટ્રારને આદેશ આપ્યો હતો ત્યારથી આ નિયમ ચાલે છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
