તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 21st May 2024
લોકસભા પરિણામ બાદ ગુજરાતમાં ફરી ગામે ગામ થશે મતદાન :પાલિકા અને પંચાયતોની ચૂંટણી થઈ શકે જાહેર
આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને 7000 ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવી શકયતા : ભાજપ માટે પરિણામ સારા આવશે તો ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે

ગાંધીનગર: ગુજરાતમાં 7 મેએ અને યુપી, બિહાર , બંગાળ વગેરેમાં પણ હવે લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે, ત્યારે ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને 7000 ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે.
આ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી બે મહિનામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે છે. રાજ્યની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે તલાટી ભૂમિકા ભજવી રહ્યા છે. ગામનું સંચાલન તલાટીના માથે આવી પડ્યું છે. ચૂંટણી નહીં યોજાવાના કારણે ગામડાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. રસ્તા, પાણી, આરોગ્ય, સફાઈ તેમજ દાખલા જેવી અનેક સમસ્યા ઊભી થઈ છે. આ ઉપરાંત, તલાટી પાસે એકથી વધુ ગામના ચાર્જ હોવાથી કામનું ભારણ વધારે હોય છે, ત્યારે તલાટી એક ગામમાં રહીને સમસ્યાઓને ન્યાય આપી શકતો નથી. આવા સંજોગોમાં વહીવટદાર રાજ ખતમ થાય અને વહેલાસર ચૂંટણી યોજાય તે જરૂરી છે.
છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી આ ચૂંટણી હાલ તો આગામી નવરાત્રી દરમિયાન યોજાય તેવા સંકેત છે. રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ગત ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે એસ ઝવેરી પંચના રિપોર્ટ બાદ OBC અનામત 27% કરવાની જાહેરાત ગત ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. ઝવેર કમિશનના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ વિસ્તારે 52% ને શહેરી વિસ્તારમાં 46.43 ટકા ઓબીસી સમાજની વસ્તી છે તેને અનુલક્ષીને ઓબીસી સમાજ માટે અનામત બેઠકો જિલ્લા પંચાયતોમાં 105 થી વધીને 229 અને 248 તાલુકા પંચાયતમાં 506 થી વધીને 1,085 , રાજ્યની કુલ 14562 ગ્રામ પંચાયતોમાં 12,750 થી વધીને 25347 બેઠકો એ જ રીતે નગરપાલિકામાં પણ મોટાપાયે બેઠકો વધી રહી છે
લોકસભાની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે, જેમાં અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂરી કરવાની સાથે નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવશે અને મતદાર મંડળો રચાશે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ગ્રામ્ય સ્તરનું સંગઠન મહત્વની ભૂમિકા અદા કરતું હોય છે. પંચાયતની ચૂંટણીમાં કોઈ પક્ષ સીધો ભાગ લેતું નથી પણ તે પોતાના સમર્થકોને ટેકો જાહેર કરતા હોય છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
