News of Tuesday, 21st May 2024
૨૩મીએ વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ મળશે
૨૩મીએ વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ મળશે

અમદાવાદ,તા. ૨૧: રાજયના ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ૨૩ મેના રોજ માર્કશીટ આપવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ તૈયાર કરી મંગળવારના રોજ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે. જયાંથી ૨૨ મેના રોજ સ્કૂલોને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ સ્કૂલો દ્વારા ૨૩ મેના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરાશે. સામાન્ય પ્રવાહની સાથે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને GSOSના ઉમેદવારોની માર્કશીટ પણ મોકલાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯ મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ માર્કશીટ વિતરણ અંગે હવે પછી જાહેરાત કરાશે તેમ જણાવાયું હતું. જોકે, હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. જે અનુસાર, મંગળવારે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને માર્કશીટ મોકલવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
૨૧ મેના રોજ શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ માર્કશીટ મોકલી આપવામાં આવશે. ત્યારબાદ DEO કચેરી દ્વારા ૨૨ મેના રોજ તમામ શાળાઓને માર્કશીટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે. શાળાઓએ જિલ્લાના નક્કી કરવામાં આવેલા સ્થળેથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ મેળવી લેવાની રહેશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૯ મે અને ધોરણ-૧૦નાં પરિણામ ૧૧ મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં માત્ર ધોરણ-૧૨ સાયન્સની માર્કશીટ જ વિદ્યાર્થીઓને પહોંચાડી છે. જોકે, માર્ચ-૨૦૨૪ના પરિણામ માટેનો સ્કૂલ રેકોર્ડ બોર્ડની વેબસાઈટ પરથી શાળા દ્વારા પોતાનો ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરીને સોમવારના રોજથી ૩૧ મે સુધીમાં ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને પત્ર મોકલી જાણ કરી હોવાનું જાણવા મળે છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
